ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતી ડીસા માર્કેટયાર્ડ સંચાલક મંડળના વેપારી વિભાગના ચાર અને તેલીબીયા વિભાગના બે મળી કુલ છ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જયારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વહેલી સવારથી જ મતદાન માટે ખેડૂત મતદારોની લાંબી કતાર લાગી ગઈ હતી.

ચૂંટણી અધિકારી દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાત બુથ પર આ મતદાન પ્રક્રિયાની શરૂઆત કરી હતી. જેમાં કુલ 10 ડિરેક્ટરો માટે 2939 જેટલા મતદારો મતદાન કરવાના છે.

આ ચૂંટણીમાં ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન અને ભાજપ સમર્પિત ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ કોગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની પેનલ વચ્ચે કાંટાની ટક્કર છે. આ ચૂંટણીમાં બંને પેનલના દાવેદારોએ પોત પોતાની પેનલ વિજેતા બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ બાબતે ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી અને ધાનેરાના ધારાસભ્ય અને ડીસા માર્કેટયાર્ડ ચેરમેન માવજી દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉ છ બેઠક બિનહરીફ જીતી ચૂક્યા છે અને બાકીની 10 બેઠકો ઉપર પણ ભાજપનો જ વિજય થશે તેમ જણાવ્યું હતું.

જ્યારે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈભાઈ દેસાઈએ ચૂંટણી બાબતે જણાવ્યું હતું કે, તેઓ અગાઉ ચેરમેન રહી ચૂક્યા છે અને તે વખતે ખેડૂતોના હિતના જ કાર્ય કર્યું છે અને આ ચૂંટણીમાં પણ ખેડૂતોના હિતનું રક્ષણ કરશે. તેવા ઉમેદવાર એટલેકે તેમની પેનલને ખેડૂતો જંગી બહુમતીથી જીતાડશે અને માર્કેટયાર્ડની સત્તા અપાવશે તેમ જણાવ્યું હતું.