માતૃભાષામાં અભિરુચિ વધે એ હેતુસર જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ અને વિદ્યામંદિર પાલનપુર ની પ્રસંશનીય પહેલ.
માતૃભાષા અભિયાન અંતર્ગત જહાંઆરા બાગ (શશીવન) ખાતે દરમહીના ના પહેલા અને ત્રીજા રવિવારે યોજાય છે પુસ્તક પરબ
પાલનપુર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં માતૃભાષા પ્રત્યેની અભિરુચિ વધે અને વિવિધ વિષય, રસ રુચિના પુસ્તકો માતૃભાષામાં વાંચવા મળે એવા હેતુસર જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ અને વિદ્યામંદિર પરિવાર પાલનપુરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા અભિયાન અંતર્ગત દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે સવારે ૭:૦૦ થી ૮:૩૦ કલાકે જહાંઆરા બાગ (શશીવન) ખાતે પુસ્તક પરબ યોજાય છે.
માતૃભાષાની જાગૃતિ માટે વિવિધ નગરોમાં માતૃભાષાના વિવિધ પ્રકલ્પો ચાલતા હોય છે જે અન્વયે પાલનપુર શહેરમાં પણ પાલનપુર તેમજ આજુબાજુના નગરજનો માતૃભાષાના પુસ્તકોનું વાંચન કરે અને વિવિઘ બાબતો પર સાર્થક સંવાદ કરતા થાય એ ઉદ્દેશ્યથી પુસ્તક પરબની પ્રસંશનીય પહેલ કરવામાં આવી છે. અહીં યુવાનો, વડીલો, મહિલાઓ અને બાળકો આવે છે જેઓ અહીં બેસી પુસ્તક વાંચે છે અથવા ઘેર વાંચવા માટે લઈ જાય છે. દરેક વ્યક્તિ કોઈપણ બે પુસ્તકો નિ:શુલ્ક રીતે વાંચવા માટે ઘરે લઈ જઈ શકે છે. વર્તમાનમાં બાળકો માટે વાર્તાની ચોપડીઓની સાથે નવલકથા, નાટકો, કવિતાઓ, ગઝલો, નિબંધો અને વિવિધ સામયિકો ઉપલબ્ધ છે. આ અભિયાનને આગળ વધારવા સાહિત્યિક પુસ્તકોને ભેંટ સ્વરૂપે સ્વિકારવામાં પણ આવે છે.
પુસ્તક પરબના આયોજનમાં જી ડી મોદી કૉલેજ ઑફ આર્ટસના ડૉ. મિહિરભાઇ દવે, ડૉ. સોહનભાઇ દવે, અને પ્રો. પ્રતીક્ષાબેન પરમાર, અનિલાબેન શાહ અને હ્યુમેનીસ્ટ યુથ ફોરમના સંયોજક વિક્રમ વજીરની સાથે પાલનપુર શહેરના અનેક મીત્રો જયેશભાઇ સોની, સમરભાઇ ચૌધરી, જયેશભાઇ ચૌધરી, હિદાયતભાઈ પરમાર, રમેશભાઇ ભાટિયા અને હરચંદભાઇ પરમારનો સહયોગ મળી રહ્યો છે. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ રીતિક સિંઘ, ખૂશ લિંબાચીયા, હિતાંશું, કરણ ભાટી, સૃષ્ટિબેન, હિમાંશી ભાટિયા, ઋચા વ્યાસ, હિમાલી પરમાર સાથે ફોરમના અન્ય વિધ્યાર્થીઓ પણ સમયદાન આપી રહ્યા છે.