ઓછા વજન સાથે સાત મહિનાના અધૂરા માસે જન્મેલા બાળક માટે ડોકટરો બન્યા દેવદૂત : બાળક સ્વસ્થ થતા વીસમાં દિવસે રજા અપાઈ..                        

            

બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની એકમાત્ર સંસ્થા જનરલ હોસ્પિટલ પાલનપુર અત્યંત આધુનિક તબીબી સારવાર આપવામાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોખરે છે. બનાસ મેડીકલ કોલેજના ચેરમેનશ્રી પી. જે. ચૌધરીના જણાવ્યા મુજબ બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે કહેવાય છે કે, ડોકટરો ભગવાનનું બીજુ રૂપ હોય છે. ડોકટરોએ પોતાની સુજ બુજથી ઘણા લોકોને નવું જીવનદાન આપતા હોય છે ત્યારે જીવનદાનનો એક આવો જ કિસ્સો બનાસકાંઠા જિલ્લામાં આવેલ વડગામ તાલુકાના વતની નયનાબેન સુરેશભાઈ માજીરાણા જેઓને ગત તારીખ ૪ માર્ચ-૨૦૨૩ના રોજ પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ મારફતે પાલનપુર ખાતે આવેલ ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આવેલ પી.એન.સી, વોર્ડમાં દાખલ રખાયા હતા. જેમાં તબીબો દ્વારા જરૂરી પ્રાથમિક સારવારના અંતે નોર્મલ ડીલેવરીમાં નયનાબેનએ બાબાને જન્મ આપ્યો હતો. જેમાં બાળકની ગંભીર સ્થિતિ જોતા બાળકને એન.આઈ.સીયુ વોર્ડમાં દાખલ કર્યા બાદ અધૂરા માસે જન્મ સમયે બાળકનું વજન માત્રને માત્ર ૧.૪ કિ.લો. ગ્રામ હતું.

              અધૂરા માસે જન્મ થયો હોવાથી બાળકના ફેફસાનો વિકાસ ઓછો હતો. જેથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી, બાળકના લોહીમાં ચેપ લાગ્યો હોવાથી ચૌદ દિવસ સુધી જરૂરી ઇન્જેકશનો ચાલુ કરવામાં આવ્યા હતા. જે બાદ બાળકને પાંચ દિવસ સુધી કાચની પેટમાં દાખલ કરી ઓક્સીજન આપવામાં આવ્યો હતો. ધીમેધીમે બાળકની તબિયત સુધારા ઉપર આવતા બાળકને નળી વડે દૂધ આપવામાં આવ્યું હતું અને બાળકને કાંગારું મધર કેર દ્વારા બાળકને માતાની હુફ મળતી રહી જેમાં સિવિલ જનરલ હોસ્પિટલ પાલનપુરના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ ગાયનેક વિભાગના ડોક્ટર અજીત શ્રીવાસ્તવ, ડૉ. નેહા શર્મા, ડૉ. આશા પટેલ, ડૉ.ધારા ચૌધરી તેમજ નર્સિગ સ્ટાફ દ્વારા ખડેપગે રહી સેવા આપી હતી. પરિવારના સભ્યની જેમ ડોક્ટરોની ટીમ દ્વારા બાળકની સારી સારવાર કરીને તેને ઘરે મોકલવામાં આવ્યા હતા. માતા પિતા આજે પોતાની દિકરાને સ્વસ્થ જોઈને ખુબ જ ખુશ છે. આમ, ડોકટરોએ બાળકને નવું જીવન આપીને માતા-પિતાના મોઢા પર સ્મિત પાછું રેલાવ્યું હતું.