બનાસકાંઠા જિલ્લો આમ તો પછાત માનવામાં આવે છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પોતાની શૂઝબૂજથી ખેતીમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના કાંટ ગામે રહેતો આર્યન ચૌધરી નામનો યુવાન અને તેના પિતા પણ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલ છે. આ યુવકે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે પરંતુ નાનપણમાં જ તેને ખેતીમાં રસ હોવાથી બારમા ધોરણ પછી તેણે અભ્યાસ છોડી દઇ પોતાનું મન ખેતીના વ્યવસાયમાં કેન્દ્રિત કર્યું હતું.
શરૂઆતમાં બીબાઢાળ અને પરંપરાગત ખેતી કરી પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષ થી તેને ખેતીમાં આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરી બાગાયતી પાક પર હાથ અજમાવ્યો અને આ વર્ષે તેણે એક હેક્ટર જમીનમાં શક્કરટેટનું વાવેતર કર્યું હતું અને માત્ર 60 દિવસની અંદર જ એક લાખ રૂપિયાના ખર્ચની સામે આઠ લાખ રૂપિયા જેટલી મબલક આવક મેળવી છે. શક્કરટેટીની કરેલી ખેતીની પદ્ધતિ જાણીએ તો આ પાક 60 દિવસમાં તૈયાર થયો છે જેમાં સૌપ્રથમ આ યુવા ખેડૂતે એક હેક્ટર જમીનમાં અઢીથી ત્રણ કલાક સુધી ટ્રેક્ટર દ્વારા ખેડાઈ કર્યા બાદ 50 કિલોની 6 થેલી ખાતરનો ઉપયોગ કરી 800 ગ્રામ બિયારણનું મલચિંગ પદ્ધતિથી વાવેતર કર્યું હતું. દર બે દિવસે એક કલાક ટપક પદ્ધતિથી પાણી આપ્યું હતુ, આ પાકમાં રોગ જીવાત ન થાય તેના કંટ્રોલ માટે અંદાજિત 15000 રૂપિયા લની દવાનો છંટકાવ કર્યો હતો અને શરૂઆતમાં 15 દિવસ અને પાક તૈયાર થઈ ગયા બાદ એના 15 દિવસ રોજના 6-6 કલાક ચાર માણસો દ્વારા મજૂરી કામ કરાવી આ પાક તૈયાર થયો છે. 60 દિવસ બાદ એક હેક્ટર જમીનમાં 40 થી 45 ટન જેટલી ટેટીનું ઉત્પાદન થયું છે. હાલ શક્કરટેટીનો હોલસેલમાં 20 થી 22 રૂપિયા કિલો વેચાણ થઈ રહ્યું છે જેથી આ યુવકને એક હેક્ટર જમીનમાંથી અંદાજિત 8 થી સાડા આઠ લાખ રૂપિયાની આવક થઈ છે. ડીસા પંથકમાં થતી શક્કરટેટીની માંગ સૌથી વધુ કાશ્મીરમાં રહે છે. ₹20 ના કિલોના ભાવથી શ્રીનગર ખાતે શક્કરટેટીનું વેચાણ કર્યું છે. આ શક્કરટેટી સાઈઝમાં અને ખૂબ કડક હોવાથી અઠવાડિયાથી દસ દિવસ સુધી તેની ક્વોલિટીમાં કોઈ ફેર પડતો નથી. જેથી અન્ય રાજ્યોમાં તેનો નિકાસ કરવો પણ ખૂબ જ સરળ રહે છે, અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપતા આ ખેડૂતે કહ્યું કે બીબાઢાળ ખેતી કરવાની બદલે પોતાના મન કેન્દ્રીત કરી ધગશથી કંઈક નવું કરવાનો વિચાર કરે અને પુરા દિલથી મહેનત કરે તો ચોક્કસ ખેતીના વ્યવસાયમાં પણ સફળ થવાય છે.