અંબાજી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંગે પાલનપુર ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઇ
દેશ-વિદેશમાં આવેલા ૫૧ શક્તિપીઠોના એક જ જન્મમાં, એક જ જગ્યાએ દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવઃ-કલેક્ટરશ્રી
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' રાજ્ય સરકાર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર છે. આ પરિક્રમા મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો પધારવાના છે ત્યારે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, દેશ- વિદેશમાં આવેલા ૫૧ શક્તિપીઠોના એક જ જન્મમાં, એક સાથે અને એક જ જગ્યાએ દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠો પૈકી માઁ અંબા નું હૃદય અંબાજીમાં ધબકે છે. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો જેવા કે, પશ્ચિમ બંગાળ, બિહાર, ત્રિપૂરા, મેઘાલય, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, હિમાચલપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન, કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું અંબાજી ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠોનું નિર્માણ કરાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ તમામ સમાજના આગેવાનોને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવાનું આમંત્રણ પાઠવતાં જણાવ્યું કે, જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની જેમ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરાયું છે. જેમાં ૧૫૦૦ જેટલાં સેવા સંઘો, પાલખીયાત્રા અને આદિજાતિ ભજન મંડળીઓ સહિત વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે. ૨.૫ કિ.મી. લાંબા પરિક્રમા માર્ગ પર ૫૧ શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે. આ અમૂલ્ય અવસરમાં મા જગદંબાની ઉત્પતિ પર આધારિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો ને નિહાળવા તથા પંચ દિવસીય ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, ચામરયાત્રા, આનંદ ગરબા, પાલખીયાત્રા, ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે ત્યારે ભાદરવી પૂનમના મેળાની જેમ આ પરિક્રમામાં પણ લોકો સ્વંભૂ જોડાય તેવી પરંપરા શરૂ કરવી છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એન. પંડ્યા સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.