હિમતનગર તાલુકાના ગાંભોઈ નજીકથી ગુરૂવારે વહેલી સવારે ચાર ભેંસો ભરી પસાર થઈ રહેલ એક પીકઅપ ડાલુ અચાનક પલ્ટી ખાઈ જતાં ચારેય ભેંસોને ઈજા થઈ હતી. અને ડાલાનો ચાલક ભાગી જતાં તેની વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિજયભાઈ રામુભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગુરૂવારે વહેલી સવારે પીકઅપ ડાલા નં. જીજે.૦૯.એયુ ૩૦ ૩૨નો ચાલક ચાર ભેસો ખીચોખીચ ભરી ક્રુરતાપૂર્વક બાંધી દીધા હતા. તેમજ પીકઅપ ડાલામાં ભેંસો માટે ઘાસચારા અને પાણીની પણ સગવડ કરી ન હતી. દરમ્યાન ગાંભોઇ નજીક અચાનક પીકઅપ ડાલુ પલ્ટી ખાઈ ગયું હતું જેના લીધે ચારેય ભેંસોને ઈજા થઈ હતી અને પીકઅપડાલાનો ચાલક ડાલુ મૂકીને ભાગી ગયો હતો જે અંગે કોન્સ્ટેબલ વિજય રામુભાઈએ ચાલક વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.