મહારાષ્ટ્રના નાસિકથી વડોદરા જિલ્લાના પાદરા ખાતે વિદેશી દારૂ લઈને જઈ રહેલા બે શખ્સ વડોદરા શહેરના લાલબાગ રોડ પર આવેલા પેલેસ પ્લાઝા પાસેથી ઝડપાઈ ગયા હતા. વડોદરા પીસીબીએ 51 હજારના વિદેશી દારૂ સહિત કુલ 58 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પ્રદિપ પટેલ અને ચેતન રાણા નામના બે આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પીસીબીની ટીમને બાતમી મળી
વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, પાદરામાં રહેતો પ્રદિપ પટેલ અને ચેતન રાણા નામના બે શખ્સ નાસિક ખાતે ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા માટે ગયા છે અને ખાનગી લક્ઝરી વાહનોમાં દારૂનો જથ્થો લઈને આવનાર છે. તેઓ પાદરા જવા માટે રાજમહેલ રોડ પર ગમે ત્યાં ઉતરી જાય છે. જેથી પીસીબીની ટીમે લાલબાગ રોડ પર પેલેસ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી.

પીસીબીએ બન્નેની પૂછપરછ કરી
આ સમયે બે શખ્સ પીઠના ભાગે અને હાથમાં બેગો લઈને ઉભા હતા. જેથી શંકા જતા પીસીબીએ બન્નેની પૂછપરછ કરી હતી. જેમાં બન્ને શખ્સ પ્રદિપ નરેન્દ્રભાઇ પટેલ (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાતળીયા હનુમાન રોડ, પાદરા) અને ચેતન રમેશભાઇ ઉર્ફે દિલીપભાઇ રાણા હોવાનું બહાર આવ્યું હતું. બન્ને શખ્નીસ બેગો તપાસતા તેમાંથી જુદી-જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

વિદેશી દારૂ ઝડપાયો
પોલીસે 51,650 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 40 બોટલ, 1840 રોકડ રકમ, મોબાઇલ ફોન અને કાળા કલરના 4 થેલાઓ મળીને કુલ 58,990 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પ્રદિપ પટેલ અને ચેતન રાણાની ધરપકડ કરી હતી. આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હવે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે