હવ્યાજખોરોના દૂષણને નાથવા દાહોદ જિલ્લામાં વ્યાપક ઝૂંબેશ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ત્રણ થી ચાર ગણા પૈસા ચૂકવવા છતા વ્યાજખોર દ્વારા પરેશાન કરવામાં આવતા જયેશભાઇની પડખે આવી દાહોદ પોલીસ..

દાહોદ પોલીસે ફક્ત બે કલાકમાં જ વ્યાજખોર સામે કડક પગલા લઇ મારી સહાય કરી – જયેશભાઇ અગ્રવાલ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણને નાથવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ અનેક લોકોને વ્યાજખોરોની ચૂંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. વ્યાજખોરો સામેની ઝુંબેશમાં અનેક લોકોએ દાહોદ પોલીસનો સંર્પક કર્યો હતો. આ લોકોને વ્યાજખોરો સામેના દૂષચક્રમાંથી મુક્ત કરવામાં આવ્યા અને વ્યાજખોરો સામે પોલીસે કડક પગલાં લીધા છે.દાહોદના જયેશ અગ્રવાલ વ્યાજખોરોના જાળમાં ખૂબ ખરાબ રીતે ફસાયા હતા. તેમની પાસેથી ત્રણથી ચાર ગણા રૂપીયા પડાવી લીધા પછી પણ સતત તેમને હેરાન કરવામાં આવી રહ્યાં હતા. જયેશભાઇએ દાહોદ પોલીસનો સંર્પક કરતા પોલીસે તુરત જ કાર્યવાહી કરીને ફક્ત બે કલાકમાં જ વ્યાજખોરોને ઝડપીને સળીયા પાછળ ધકેલી દીધા હતા.જયેશ અગ્રવાલ જણાવે છે કે, વ્યાજના દૂષણમાં ખૂબ લાંબા સમયથી હેરાન થઇ રહ્યો હતો. મારી પાસેથી ત્રણ થી ચાર ગણા પૈસા લેવા છતા વારંવાર મને ટોર્ચર કરાતો હતો. મારી વિરૂદ્ધ દાહોદ કોર્ટમાં ૧૩૮ અંતર્ગત ફરીયાદ કરાઇ હતી. આવા સમયે મે દાહોદ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસનો આ બાબતે ખૂબ સારો સહકાર મળ્યો હતો અને ફક્ત બે કલાકમાં જ એ માણસને ઝડપી પાડયો હતો.તેઓ જણાવે છે કે, કોઇ પણ વ્યક્તિ વ્યાજના દૂષણમાં ફસાયેલો હોય તો તેણે અવશ્ય પોલીસનો સંપર્ક કરવો જોઇએ. રાજ્ય સરકાર દ્વારા અત્યારે વ્યાજખોરો વિરૂદ્ધ ખૂબ સારૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મારા જેવા અનેક લોકોને વ્યાજખોરોની ચૂંગાલમાંથી મુક્ત કરવાના અભિયાન બદલ મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પોલીસ તંત્રને ધન્યવાદ પાઠવું છું. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા જણાવે છે કે, ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી નિર્ણય અંતર્ગત વ્યાજખોરોના દૂષણને ડામવા માટે જિલ્લામાં એક અભિયાન સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. ગત જાન્યુઆરી મહિનામાં એક વ્યાજખોરો સામેના અભિયાનમાં જિલ્લામાં એકવીસ જેટલા કેસો નોંધવામાં આવ્યા હતા અને વ્યાજખોરોને જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા હતા. 

તેઓએ ઉમેર્યું કે, આ અભિયાન અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં લોન મેળાનું પણ આયોજન કરાયું હતું અને અંદાજે રૂ. ૩ કરોડ જેટલી લોન પણ આપવામાં આવી છે. ગામે ગામ લોકદરબારનું આયોજન કરાયું છે. જેમાં લોકોની રજૂઆતો સાંભળીને વ્યાજખોરો સામે કડકમાં કડક પગલા લેવામાં આવ્યા છે. સંસ્થાગત લોન લેવા માટે લોકોને સમજ અપાઇ છે. આ અભિયાન ફક્ત એક બે મહિનાનું નથી પરંતુ સતત ચાલશે. કોઇ પણ વ્યક્તિ વ્યાજખોરોથી પરેશાન હોય તો દાહોદ પોલીસનો સંપર્ક કરી શકે છે. અમારા દ્વારા તાત્કાલિક તે વ્યક્તિને સહાય કરાશે.