ડીસામાં રખડતા પશુઓના આતંકની વધુ એક ઘટના સામે આવી છે જેમાં પોતાના ઘરે ચાલીને જઈ રહેલી એક મહિલાને આખલાએ અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે.
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના આતંકની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. જેમાં આજે ગુલબાણી નગર વિસ્તારમાં પણ 48 વર્ષીય અલકાબેન જગદીશભાઇ સોની પોતાના ઘર તરફ ચાલીને જઇ રહ્યા હતા તે સમયે અચાનક જ આખલાએ અલકાબેનને અડફેટે લઇ જમીન પર પછાડ્યા હતા.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.બનાવની જાણ થતાં મહિલા પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા. અલકાબેનને મોઢાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા હાલમાં તેઓ સારવાર હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યામાં દીન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેના કારણે નાયબ કલેકટરે પણ શહેરમાં 12 જેટલી જગ્યા ઉપર જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમ છતાં પણ ઠેર ઠેર જાહેર માર્ગમાં ઘાસચારો નાખતા રખડતા પશુઓ રસ્તા પર ચાલતા લોકોને અડફેટે લઈ રહ્યા છે અને અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે રખડતા પશુઓની સમસ્યામાંથી ડીસા વાસીઓને જલ્દી છૂટકારો મળે તેવી કાર્યવાહી કરવાની લોકોની માંગ છે.