દારૂબંધીનો અમલ કરાવવા પોલીસને રજૂઆત: ડીસાના મહાદેવીયા ગામમાં કોઈ વ્યક્તિ દારૂ વેચે કે દારૂ પીધેલો પકડાશે તો તેનો સામાજિક બહિષ્કાર કરાશે
ડીસાના મહાદેવીયા ગામમાં દારૂનું દૂષણ ખૂબ જ વધી ગયું હોવાથી ગામના યુવાનોએ જાગૃત થઈ આ બદીને ડામવા માટે કમર કસી છે અને ગામમાં આગેવાનો અને જાગૃત યુવાનોએ એકસંપ થઈ દારૂ વેચવા કે પીવા પર પ્રતિબંધ મુક્યો છે. તેમજ આ નિયમનો ભંગ કરનાર સામે 11,000નો દંડ વસૂલ કરવામાં આવશે તેમજ ગામના પાંચ આગેવાનોની સંમતિ પછી જ તેને છોડવામાં આવશે. આ ઉપરાંત ગ્રામજનોએ ગામમાં લગ્ન તેમજ ધાર્મિક પ્રસંગ સિવાય ડીજે સાઉન્ડ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ બંને પ્રસંગો સિવાય ડીજે વગાડનાર સામે રૂપિયા 51 હજારનો દંડ લેવાનું નક્કી કરાયુ છે. ગામમાં આ પ્રતિબંધિત નિયમોનો ભંગ કરનાર સામે આકરા પગલાં લેવામાં આવશે. તેમજ તેનો સામાજિક બહિષ્કાર પણ કરવાનો નિયમ બનાવ્યો છે.
મહાદેવિયાના ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામમાંથી દારૂની બદી હટાવવા જણાવ્યું હતું. પોલીસે પણ આવા કોઈ તત્વો જણાય તો તુરંત જાણ કરવા તેમજ તેઓના નામ આપશે તો રેડ સુધીની કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી.