ખેડૂતોની મહેનત રંગ લાવી: ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુના પ્રતિ મણે રેકોર્ડ બ્રેક 2080 રૂપિયા ભાવ બોલાયા; એક જ દિવસમાં 70 હજાર બોરીના વ્યવહાર, ખેડૂતોમાં હજુ પણ અસંતોષ

ડીસા માર્કેટ યાર્ડમાં આ વર્ષે તમાકુના સિઝનની પ્રથમ હરાજી સોમવારે શરૂ થતા જ વેપારીઓએ રૂ. 700 પ્રતિ મણ ભાવથી હરાજી શરૂ કરતાં ખેડૂતો વિફર્યા હતા. તેમજ પોષણક્ષમ ભાવના મળવાના મુદ્દે ખેડૂતોએ હલ્લાબોલ કરી માર્કેટ ઓફિસ આગળ ધરણાં કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે હરાજીનું કામકાજ મુલતવી રાખવામાં આવ્યું હતું. તે બાદ આજે હરાજીનું કામકાજ ફરીથી શરૂ થતા તમાકુના રૂપિયા 1000 પ્રતિ મણના ભાવથી હરાજી શરૂ થતા ખેડૂતોને અલગ અલગ વક્કલ પ્રમાણે રૂપિયા રેકોર્ડ બ્રેક 2080 પ્રતિ મણના સુધીના ભાવ મળ્યા હતા. માર્કેટ યાર્ડમાં બે દિવસની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી અને કુલ 70 હજારથી વધુ બોરીના ડીસા માર્કેટ યાર્ડમાં વ્યાપાર થયા હતા.

ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી એ. એન. જોશીના જણાવ્યા મુજબ, ગઈકાલે હરાજી મુલતવી રહ્યા બાદ આજે ફરીથી હરાજીનું કામકાજ શરૂ થતા વેપારીઓએ પોષણક્ષમ ભાવની બોલી લગાવી હતી. જેમાં ખેડૂતોને અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક રૂપિયા 2080 સુધીના ભાવ મળ્યા છે. તેમજ બે દિવસની આવક ભેગી થતા માર્કેટ યાર્ડમાં 70,000થી વધુ બોરીનું વેચાણ થયું હતું. જોકે ખેડૂતોને હજુ પણ સંતોષ નથી. ખેડૂતોનું માનવું છે કે અત્યારે ડીસા માર્કેટ યાર્ડમાં ભલે 1000થી 2080 રૂપિયા સુધીના ભાવ ચાલતા હોય, પરંતુ ખેડૂતોને હજાર બારસો રૂપિયા આસપાસના ભાવ મળે છે. ત્યારે 1500 રૂપિયા સુધીનો ભાવ મળે તો જ ખેડૂતોને મોંઘવારીમાં પોસાય તેમ છે. માટે સરકારે પણ કંઈક ખેડૂતોના હિતમાં વિચારી પોષણક્ષમ ભાવ મળી રહે તેવા પ્રયાસો કરવા જોઈએ.