પાલનપુર અને વડગામમાં પાણીની અછત દૂર કરવા રૂ.૯૨ કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરાયો....

ધરોઈ જૂથ આધારિત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકામાં ૧૩૨ ગામોમાં પીવાનું પાણી પૂરું પડાઇ રહ્યું છે. ત્યારે જનસંખ્યામાં વધારો થતા અને પીવાના પાણીની તંગીને દુર કરવા હાલ આપતા ૪૦ એમએલટી પાણીની સામે ૮૦ એમએલટી પાણીનો જથ્થો પૂરો પાડવાનો પાણી પુરવઠા જૂથ યોજના દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ પાણીની સપ્લાઇ માટે પાઇપ લાઈન ની સાઇઝમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેની અમલવારી અગામી સપ્ટેબર ૨૦૨૩ થી આયોજન કરાયું છે. ધરોઈ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર શહેર અને તાલુકાના ૭૯ ગામ તેમજ વડગામ તાલુકાના ૫૩ ગામડા મળી આ બનેં તાલુકાના ૧૩૨ ગામને પીવા અને ઘર વપરાશ માટે ૬૦૦ ડાયાની પાઇપ લાઈન મારફતે દૈનિક ૪૦ એમએલટી એટલેકે ચાર કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે, આ વિસ્તારોમાં જન સંખ્યામાં વધારો થતા વધુ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ધરોઈ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા આ બંને તાલુકામાં ૮૦૦ ડાયા ની પાઇપ લાઇન મારફતે દૈનિક ૮૦ એમએલટી એટલે કે આઠ કરોડ લિટર પાણી પુરૂ પાડવા માટે રૂ.૯૨ કરોડ નો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને લઈ આગામી સમયમાં આ બંને તાલુકામાં પીવાં ના પાણી ની સમસ્યા મહદ અંશે નાબૂદ થશે....