બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી.ની ટીમ આજે ડીસા પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે રાજસ્થાનથી મહેસાણા તરફ એક દારૂ ભરેલું ટેન્કર જઈ રહ્યું હોવાની માહિતી મળતા જ ભોયણ પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલા એક શંકાસ્પદ ટેન્કરને થોભાવી તલાસી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટેન્કરમાં ભરેલી 3834 દારૂની બોટલ જપ્ત કરી હતી.
તેમજ દારૂ અને ટ્રક સહિત કુલ 20.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ટ્રક ચાલક માંગીલાલ બિસ્નોઇ અને ભવરલાલ બિસ્નોઇની અટકાયત કરી હતી.
પ્રાથમિક પૂછપરછ કરતા ઝડપાયેલા બંને આરોપીઓએ રાજસ્થાનના જાલોર પાસેથી દારૂ ભરી મહેસાણા આજુબાજુમાં ડિલિવરી આપવા જતા હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી એલસીબીની ટીમે ઝડપાયેલા બે આરોપીઓ તેમજ માલ મંગાવનાર અને ભરાવનાર સહિત ચાર લોકો સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.