ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત ખંભાત કોલેજમાં એનસીસીના અલગ અલગ કેડેટના વિદ્યાર્થીઓ માટે એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે એવોર્ડ, શીલ્ડ તેમજ અલગ અલગ રેન્ક સાથે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સમૃતિભેટ, પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકીમચંદ્ર વ્યાસ, સંસ્થાના પ્રમુખ જયંતીભાઈ પટેલ, આર્ટસ કોમર્સ સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. વશિષ્ઠધર દ્વિવેદી, મંડળના અન્ય હોદ્દેદારો સભ્યો, પ્રાધ્યાપકો, એનસીસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.એનસીસીના પ્રાધ્યાપક જાગૃતિબેન દ્વારા એનસીસી કેડેટ્સની જુદી જુદી કામગીરી, એનસીસીના કેડેટના વિદ્યાર્થીઓની કેમ્પ દરમિયાનની સિદ્ધિઓ, સેવાઓ અને પ્રગતિ વિષયક માહિતી પીરસી હતી.

ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે સંસ્થાની શૈક્ષણિક કામગીરી સહિતની સેવાઓને બિરદાવી હતી તેમજ સંસ્થાને અનુરૂપ કોઈપણ પ્રશ્ન, સમસ્યા બાબતે રજૂઆત કરવા જણાવ્યું હતું. એનસીસી કેડેટના વિદ્યાર્થીઓએ એનસીસી દરમિયાન થયેલા અનુભવો રજૂ કર્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)