ભુરગઢ પ્રા. શાળામાં વિદ્યાર્થીઓની વિજ્ઞાનમાં રુચિ જળવાય તે માટે PSLV રોકેટ મોડેલ બનાવ્યું

ભુરગઢ પ્રા. શાળાના સ્ટાફે સાયન્સ પ્રોજેક્ટમાં PSLV રોકેટ મોડલ બનાવ્યું.

     

લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામની ભુરગઢ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયમાં રુચિ જળવાય તેમજ રોકેટ, ઉપગ્રહ જેવા શબ્દોની સંપૂર્ણ સમજ કેળવાય તે હેતુથી સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની મદદથી PSLV રોકેટ ની પ્રતિકૃતિ બનાવી શાળાને સમર્પિત કરવામાં આવી હતી.

     

આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને રોજબરોજ સાંભળવા મળતા ઉપગ્રહ, મિસાઈલ, રોકેટ જેવા શબ્દોની સંપૂર્ણ સમજ કેળવાય તેમજ પ્રાર્થના સભામાં સમાચાર વાંચનમાં ISRO ના સમાચાર વખતે વિદ્યાર્થીઓના મનમાં ઉઠતા સવાલોના સચોટ જવાબ આપી શકાય તે હેતુથી લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામની ભૂરગઢ અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય કરશનભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, માધવ ભાઈ પ્રજાપતિ, વિપુલભાઈ પ્રજાપતિ, નીતાબેન ચૌધરી તથા નિકુંજભાઈ ની ટીમે દસ દિવસની મહેનત બાદ સાયન્સ પ્રોજેક્ટ નું નિર્માણ કરી ISRO સંસ્થા દ્વારા અંતરિક્ષમાં ઉપગ્રહ છોડવા માટે ઉપયોગ કરાતા ( POLAR SATELLITE LAUNCH VEHICLE) PSLV રોકેટ નું પી.વી.સી. ની પાઇપો, પતરાની પ્લેટ ની મદદથી 13 ફૂટ લંબાઈનું આબેહૂબ મોડેલ બનાવી શાળામાં મૂકવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને રોકેટ બનાવવાની પ્રક્રિયા, તેનું લોન્ચિંગ, અવકાશમાં ઉપગ્રહ પ્રત્યાર્પણ વગેરે વિશે વિડિયો નિદર્શન દ્વારા સમજ આપવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓએ ISRO માં જ બેઠા બેઠા પ્રત્યક્ષ જોતા હોય તેવો અનુભવ કર્યો હતો.

 એક દિવસ પ્રાર્થના સભામાં PSLV રોકેટમાં 28 ફેબ્રુઆરી 2021 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર અને ભગવદ ગીતાને અંતરીક્ષમાં મોકલવામાં આવ્યા હોવાની ચર્ચા થતી હતી. ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું કે આ PSLV રોકેટ કેવું હોય ? જે સવાલ સાંભળતાં જ શાળાના શિક્ષક વિપુલભાઈ પ્રજાપતિ તથા માધવભાઈ પ્રજાપતિને મોડલ બનાવવાનો વિચાર આવ્યો અને સ્ટાફની મહેનતથી દસ દિવસમાં આબેહૂબ મોડલ બનાવી શાળાને અર્પણ કર્યું હતું. 

 જ્યારે વિજ્ઞાન વિષય ભણતા હોઈએ ત્યારે અથવા તો ISRO દ્વારા કોઈ ઉપગ્રહ છોડવામાં આવ્યો હોય ત્યારે રોકેટ, મિસાઈલ, ઉપગ્રહ જેવા શબ્દો સાંભળવા મળતા તેમજ ગુરુજીઓ દ્વારા તેના ફોટા બતાવવામાં આવતા. પરંતુ આજે શાળામાં PSLV રોકેટનું મોડલ બનાવીને સમજાવવામાં આવ્યું. જેથી અમોને હકીકતમાં PSLV રોકેટ જોયાનો અહેસાસ થયો હતો.