થરાદ ખાતે શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચાૈધરી અને પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત..

                  

હિન્દુસ્તાનના રગ રગ અને કણ કણમાં ભગવાન રામ વસેલા છે : અધ્યક્ષશ્રી શંકરભાઈ ચાૈધરી

                

થરાદમાં જી.આઇ.ડી.સી. શરૂ થવાથી વિકાસની ગતિ તેજ બનશે: પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત

  થરાદ (થિરપુર નગર) ખાતે શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચાૈધરી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સહભાગી બન્યા હતા. આ મહોત્સવમાં અયોધ્યાથી જ્યોત લાવનાર શ્રીરામ સેવા સમિતિના સ્વયં સેવકોનું અધ્યક્ષશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

         આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચાૈધરીએ શ્રીરામનો જયઘોષ કરાવી જણાવ્યું કે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના મંદિર નિર્માણનું કાર્ય કરનાર થરાદના નગરજનોને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનના રગ રગમાં અને કણ કણમાં ભગવાન રામ વસેલા છે. રામ દરેક વ્યક્તિના મનની અંદર છે. આપણા દેશમાં એક વ્યક્તિ બીજા મળે તો રામ રામ કહે છે. પતિ- પત્નીએ જીવન કેવી રીતે જીવવું એ તથા ભાઇ-ભાઇ અને પિતા-પુત્રનો પ્રેમ કેવો હોય તો તે પણ રામાયણ જ શિખવે છે. આજની સાંપ્રત સમયની અનેક સમસ્યાઓનો ઉકેલ શ્રીરામના જીવન ચરિત્રમાં છે. બીજાનું ખરાબ ન કરવું અને અન્યના ભલા માટે કામ કરવું એ આપણો ધર્મ કહે છે. તેમણે આ મહોત્સવના આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ધર્મનું જે રક્ષણ કરે છે ધર્મ તેમનું રક્ષણ કરે છે. 

         આ પ્રસંગે ઉદ્યોગ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, સર્વેના દુ:ખ દુર કરનારા ભગવાન શ્રીરામનો આજે જન્મદિવસ છે ત્યારે થરાદમાં શ્રીરામના મંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે. મંત્રીશ્રીએ કહ્યું કે, અધ્યક્ષશ્રી શંકરભાઈ ચાૈધરીના નેતૃત્વમાં થરાદનો ખુબ તેજ ગતિથી વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં જી.આઇ.ડી.સી. શરૂ થવાની વિકાસની ગતિ વધુ તેજ બનશે.

       આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, ધર્મ આપણને જીવન કેવી રીતે જીવવું તે શિખવે છે. દુનિયામાં માનવ ધર્મ સાૈથી મોટો છે. કોઈપણ પ્રકારના ઉંચ-નીચના ભેદભાવ વગર બધા સાથે હળીમળીને શાંતિ, ભાઇચારા સાથે રહીએ. અન્ય જીવો પ્રત્યે પણ દયા અને કરુણા રાખી બીજાને મદદરૂપ બનીએ.

        આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યો સર્વશ્રી પ્રવિણભાઇ માળી, શ્રી અનિકેતભાઇ ઠાકર, શ્રી માવજીભાઇ દેસાઇ, શ્રી લવિંગજી ઠાકોર, શ્રીરામ સેવા સમિતિના પ્રમુખશ્રી જગદીશસિંહ રાજપૂત સહિત સંતો- મહંતો અને વિશાળ સંખ્યામાં શ્રીરામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.