શહેરમાંથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાં..!

અહો આશ્ચર્ય.. હવે મહેસાણા જેવા શહેરમાં પણ ચરસનો જથ્થો મળવાં લાગ્યો

અમદાવાદ, સુરત જેવા શહેરોમાં ચરસ કોકીન જેવા મોંઘાદાટ માદક પદાર્થોના જથ્થાના વેચાણનો અનેકવાર પર્દાફાશ થયો છે ત્યારે હવે મહેસાણા જેવા શહેરોમાં પણ ચરસનો જથ્થો મળવા લાગતાં આશ્ચર્ય સર્જાયું છે કે મહેસાણા જેવા શહેરોમાં પણ ચરસનુ ચુસ્કીના શોખીનો છે. ત્યારે મહેસાણા એસઓજીની ટીમે મહેસાણા શહેરના ભોયરાવાસ વિસ્તારમાંથી ગાંજા તથા ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ મહેસાણા એસઓજીની ટીમ દ્વારા અનેક નશીલા પદાર્થોને પર્દાફાશ કરવામાં આવી રહ્યા છે. જેમાં મહેસાણા એસઓજી પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વમાં પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ પારખાનજી, ચેતનકુમાર, મનોહરસિંહ, નિતીનભાઇ, દિલીપકુમાર, હિતેન્દ્રસિંહ, રાજસિંહ મહેન્દ્રસિંહ, મલયભાઇ, જીતેન્દ્રભાઇ, વિશ્વનાથસિંહ, દિગ્વિજયસિંહ તથા અબ્દુલગફાર, મનીષભાઇ, સંજયભાઇ, જયદેવસિંહ, પ્રિયંકાબેન, કિંજલબેન, બકાજી સહિતનો સ્ટાફ મહેસાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રાજસિંહ તથા હિતેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

મહેસાણા શહેર લાખવડી ભાગોળ ભોયરાવાસમાં રહેતા રાવળ મનુભાઇ હિરાભાઇ ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરે છે જે બાતમીના આધારે ઘટના સ્થળ પર એસઓજીની ટીમ ત્રાટકતાં રાવળ મનુભાઇ હિરાભાઇ તથા રાવળ ગણેશ મનુભાઇ રહે. બંન્ને મહેસાણા લાખવડી ભાગોળવાળા પાસેથી ૧૪ હજારની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યોં હતા જ્યારે ૫૬ ગ્રામ ચરસનો જથ્થો પણ મળી આવ્યોં હતો જેની કિંમત રૂા. ૮૪૦૦ મળી કુલ ૨૨૪૦૦નો માદક દ્રવ્યનો જથ્થો તથા કુલ ૩૨૯૦૦ના મુદ્દામાલ સાથે બંન્ને શખ્સોને ઝડપી મહેસાણા શહેર પોલીસને સોંપવામાં આવ્યા હતા જ્યારે જથ્થો આપનાર ઇલીયાસ ઇકબાલભાઇ રહે. વિસનગર વાળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.