ડીસા શહેરમાં હરિઓમ સ્કૂલ પાછળ આવેલ હનુમાન મંદિરવાળી જગ્યામાં આવેલ વિવાદાસ્પદ ગૌશાળાનું દબાણ પાલિકાની ટીમ દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. જો કે ગૌસેવકોએ ત્રણ દિવસમાં સ્વેચ્છાએ ગૌશાળા ખાલી કરવાની ખાતરી આપી હતી. જેથી પાલિકા દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
હરિઓમ સ્કૂલ પાછળની જગ્યામાં સ્વ.નરસિંહદાસજી મહારાજે શરૂ કરેલી ગૌશાળા દબાણમાં હોવાથી પાલિકા દ્વારા ખાલી કરવા માટેની નોટીસ પાઈ હતી. ત્યારબાદ આ જગ્યામાં આશ્રય લઈ રહેલા પશુઓનો કબજો પાલિકા સંભાળી લે તે મુજબની માગણી સાથે ગૌસેવકોએ આવેદનપત્ર આપ્યું હતું. જોકે ગૌશાળાનું દબાણ ખાલી ન કરાતા ડીસા નગરપાલિકાની ટીમ આજે દબાણ હટાવવા પહોંચી હતી. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીસા શહેર દક્ષિણ પીઆઈ એસ.એ.ગોહિલ સહિત મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જ્યારે પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ, દબાણ અધિકારી મનોજ પટેલ, પાલિકાના ઈજનેર સુરેશ જાદવ સહિતના કર્મચારીઓ લોડર સહિતની મશીનરી સાથે દબાણ હટાવવા પહોંચ્યા હતા. જ્યાં દબાણની કામગીરી શરૂ કરી તે દરમિયાન ગૌ સેવકોએ પતરાના શેડ વ્યવસ્થિત રીતે અન્ય જગ્યાએ કામે લાગે તે માટે સ્વેચ્છાએ ગૌશાળાનું દબાણ ત્રણ દિવસમાં દૂર કરવાની ખાતરી આપતા પાલિકાની ટીમ પરત ફરી હતી.
આ જગ્યા પર હઠીલા હનુમાનજીનું વિશાળ મંદિર તેમજ બાજુમાં મહાદેવજીનું મંદિર, શનિદેવ મહારાજનું સ્થાનક, પારસ પીપળો, ગાયો માટે વિશાળ શેડ, પક્ષીચણ માટે સુરક્ષિત ચબૂતરાઓ, પશુઓને પાણી પીવાના આવાડાઓ, પક્ષીઓને રહેવા માટે માળાઓ ઉપરાંત સ્વ નરસિંહદાસ મહારાજનું સ્થાનક, ગાદી વાળી જગ્યા, રહેવા માટેના રૂમો, પૂજારી અને ગોપાલકને રહેવાના રૂમો વગેરે આવેલા છે. જેમાંથી મંદિરો સિવાયના તમામ દબાણો દૂર કરી જગ્યા ખાલી કરાવાશે એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.