અભયમની સલાહ: પતિની અશ્લિલ હરકતોથી ત્રાસેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ,181 અભયમે બચાવી

બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં છ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનારી યુવતીને તેનો પતિ મોબાઇલમાં બ્લુ વીડીયો બતાવી તે પ્રમાણે સંબંધ બાંધવા ત્રાસ ગુજારતો હતો. જેનાથી વાજ આવી ગયેલી પરિણીતા આપઘાત કરવા માટે નીકળી હતી. જોકે એકના એક પુત્રનો વિચાર કરી બનાસકાંઠા 181 અભયમ ટીમની મદદ લીધી હતી. કાઉન્સિલરે તેને બચાવી લઈ ત્રાસ સહન ન કરી પતિ વિરુદ્ધ ન્યાય મેળવવા સલાહ આપી હતી. 

જિલ્લામાં રહેતી એક યુવતીએ તેના માતા-પિતાની વિરુદ્ધ જઈ છ વર્ષ અગાઉ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને પાંચ વર્ષનો પુત્ર છે. જોકે લગ્ન પછી મોબાઇલમાં અશ્લીલ વિડિયો બતાવી તેણીને તે પ્રમાણે સંબંધ બાંધવા માટે પતિ ત્રાસ ગુજારતો હતો. જો ઇન્કાર કરે તો તેણીના કપડા ફાડી નાખતો અને જબરજસ્તીથી સંબંધ બાંધતો હતો.

છ વરસના ત્રાસથી કંટાળી પરિણીતા આપઘાત કરવા માટે નીકળી હતી. જોકે, એકના એક પુત્રનો વિચાર કરી બનાસકાંઠા 181 અભિયમની મદદ લીધી હતી. આ અંગે પાલનપુરના કાઉન્સેલરે જણાવ્યું હતું કે, ટીમ સાથે પરિણીતા પાસે ગયા હતા. જેને આપઘાતનો સ્વપ્ને પણ વિચાર ન કરવા સમજાવ્યું હતું. 

કાયદાકીય માહિતી આપી હતી અને આવી રીતે ત્રાસ સહન ન કરી પતિ વિરુદ્ધ ન્યાય મેળવવા લડવા માટે સલાહ આપી હતી.બીજી બાજુ યુવતીએ તેના માતા-પિતાની વિરુદ્ધમાં જઈ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, તે યુવકના પ્રેમમાં ભોળવાઈ ગયા પછી પસ્તાવાનો વારો આવ્યો હતો. લગ્ન પહેલા યુવતીને ભરપૂર પ્રેમ કરનાર પતિ લગ્ન પછી અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ રાખતો થયો હતો. આ બાબતે કહેવા જાય તો તેના ઉપર શારીરિક-માનસિક ત્રાસ ગુજારતો હતો.