ટીબી મુક્ત ભારત અભિયન: ડીસામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા રેલી યોજાઈ, લોકોને ટીબી રોગ અંગે જાગૃત કર્યા
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે ડીસા બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. બ્લોક હેલ્થ ઓફિસથી વિવિધ બેનરો સાથે નીકળેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈ પરત ફરી હતી. ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી એક સંક્રમિત બીમારી છે, જે સામાન્ય રીતે ફેફસાં પર હુમલો કરે છે. ધીરે ધીરે તે મગજ અથવા કરોડરજ્જુ સહિત શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. ટીબીના મોટાભાગના કેસો એન્ટીબાયોટીક્સથી મટાડવામાં આવે છે. પરંતુ તેમાં ઘણો સમય લાગે છે. સામાન્ય રીતે આ દવા 6 થી 9 મહિના સુધી ચાલે છે.ડીસામાં આજે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા રેલી યોજાઇ હતી. જેમાં લોકોને આ રોગ અને તેના નિવારણ વિશે જાગૃત કરાયા હતા અને આ રોગ ન થાય તે માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે સમજણ આપવામાં આવી હતી.