રાજ્ય સરકારના પશુપાલન વિભાગની ૧૯૬૨ ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા અબોલ પશુઓ માટે આશિર્વાદરૂપ..
( માહિતી બ્યૂરો પાલનપુર )
દાંતીવાડા તાલુકા ના શેરગઢ ઓઢવા ગામમાં પિડાતી ગાયનું સફળ ઓપરેશન કરી ગાયને નવજીવન બક્ષ્યું..
રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દશ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં કાર્યરત છે. આ ફરતા દવાખાના અબોલ પશુઓ માટે આશિર્વાદરૂપ બની રહયા છે. દાંતીવાડા તાલુકાના શેરગઢ ઓઢવા ગામમાંથી ૧૯૬૨ ટોલ ફ્રી હેલ્પલાઇન પર ઇમરજન્સી કોલ મળ્યો કે, મિરાજી માલોતરીયાની ગાયને હ્રદયની જોડે એક સળીયો વાગી ગયો છે અને ગાય ખૂબ જ ગંભીર હાલતમાં પિડાય છે. આ કોલ મળતા જ ફરતા પશુ દવાખાનાનાં પશુ ચિકિત્સક ડૉ. કલ્પેશ ગુર્જર અને પાયલોટ કમ ડ્રેસર પ્રકાશભાઈ રાવલ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને ગાયની તપાસ કરી તો તેની હાલત ખૂબ જ ગંભીર હતી. ગાય ઊભી થવાની પરિસ્થિતિમાં પણ નહોતી. તેથી તબીબો દ્વારા તાત્કાલિક ઓપરેશન કરી તેના શરીરમાંથી સળિયો બહાર કાઢીને આશરે ૨-૩ કલાકની ભારે જહેમત બાદ ઓપરેશન સફળ થયું હતું .
દશ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાના તબીબોની ટીમે ગાયને બચાવી લેતા પશુપાલક અને ગ્રામજનોએ ગુજરાત સરકારની આ સેવાના વખાણ કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ યોજનાના પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર હાર્દિક બારોટ અને પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક પટેલે ટીમની કામગીરીની પ્રશંસા કરી ગ્રામજનોને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.