ધરપકડ: ટોટાણા-થરા રોડ પરથી ગેરકાયદે રેતી વહન કરતાં 3 ડમ્પરો ઝડપાયા

કાંકરેજ તાલુકાના થરાથી ટોટાણા રોડ પર બિનઅધિકૃત રેતીની ચોરી કરી જતા ત્રણ ડમ્પરોને કાંકરેજ મામલતદાર બી.જે.દરજી અને તેમની ટીમે મંગળવારે ઝડપી પાડ્યા હતા. કાંકરેજ મામલતદાર મંગળવારે બપોરે જામપુર-ટોટાણા-ખારિયા -થરા રોડ પર ફેરણીમાં પોતાની કચેરીની ટીમ સાથે નીકળેલા હતા. તે સમયે જામપુર તરફથી બનાસ નદીમાંથી ત્રણ ડમ્પર રેતી ભરી જઈ રહ્યા હતા.

ત્યારે મામલતદાર બી.જે.દરજીએ ડમ્પરો થોભવી ડ્રાયવરોની પાસે દસ્તાવેજો માંગતા ડ્રાયવરો ગલ્લા-તલ્લા કરતા કડક પૂછપરછ કરતા અને ડમ્પરોને વેબ્રિજ પર વજન કરાવતા એક ડમ્પર રોયલ્ટી પાસ વિના હોવાનું જાણવા મળ્યું હતું. અને તમામ ડમ્પરોને રોયલ્ટી પાસ કરતા 10 ટનથી વધુ વજન હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારે મામલતદાર અને તેમની ટીમે જીજે-08-એયુ-0493, જીજે-08-એડબ્લ્યુ-791 અને જીજે-38-એટી-0416 ડમ્પરોને કાયદેસર કાર્યવાહી કરી પાલનપુર ખાણ ખનીજને મોકલી આપી અને ડમ્પરો થરા પોલીસ સ્ટેશન લાવી પોલીસને સોંપવામાં આવ્યા હતા.