પાટડી પાસે બે અકસ્માતના બનાવોમાં ત્રણ બાઇક સવારોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં અકસ્માત બાદ એક બાઇકમાં આગ પણ લાગી હતી. જેથી તે બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રથમ બનાવમાં ખારાઘોડા રોડ પર અજાણ્યા વાહનના અડફેટે બાઇકમાં સવાર યુવાનનું મોત નિપજ્યું હતુ. જ્યારે બીજા બનાવમાં પાટડી તાલુકાના વણોદ ગામ પાસે આઇસર ગાડી સાથે અથડાતા બાઇકમાં સવાર બંને યુવાનોના મોત થયા હતા. બાદમાં બાઇકમાં ભયાવહ આગ લાગતા બાઇક સ્વાહા થયું હતું.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે. હજી બે દિવસ પહેલા જ મજૂરો ભરેલા ટ્રેક્ટર સાથે માલવણ હાઇવે પર અખિયાણા ગામ પાસે ટ્રેલર અથડાતા 2 લોકોના મોત નિપજ્યાં હતા અને 15 મજૂરો ઘાયલ થયા હતા. આ અકસ્માતની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં અકસ્માતના બે બનાવોમાં ત્રણ બાઇક સવારોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.પ્રાપ્ત વિગતાનુસાર પ્રથમ બનાવમાં પાટડી તાલુકાના દસાડા વણોદ રોડ ઉપર પુરઝડપે માંતેલા સાંઢની માફક જતી આઇશર ગાડી સાથે બાઇક ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. જેમાં બાઇકમાં સવાર બંને યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. અકસ્માત બાદ બાઇકમાં ભયાવહ આગ લાગતા બાઇક પળવારમાં જ બળીને ખાખ થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.આ અકસ્માતના પગલે દસાડા પોલીસના પીએસઆઇ એચ.એલ.ઠાકર, મનીષભાઇ અઘારા અને નિલેશભાઇ રથવી સહિતના પોલીસ સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ બંને યુવાનોની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી આઇશર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.