ડીસા તાલુકાના જુનાડીસાથી વાસણા તેમજ ઝાબડીયા રોડ ઉપર દિવસભર ઓવરલોડ ડમ્પરો દોડતાં અંબાજી મંદિર નજીક પીવાના પાણીની પાઈપ લાઈન દબાઈ જતાં લીકેજ થવાના લીધે ડહોળું પાણી આવતાં ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડે છે તેમજ રોડનું મરામત કરાવવા માંગ ઉઠી છે.

જુનાડીસાથી વાસણા રોડ ઉપર રાત-દિવસ ખાણ ખનીજની ટ્રકોનું ભારે અવરજવર ચાલુ રહે છે. ઓવરલોડ ભારે ટ્રકોના લીધે આ રોડ વારંવાર તૂટી જાય છે. આ રોડ થોડા સમય પહેલા જ બનાવ્યો હતો પરંતુ નબળી કામગીરીના લીધે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. જયારે જુનાડીસાના અંબાજી મંદિર પાસે રોડ ઉપર પાઈપમાં દબાણ થતાં પંકચર પડી જવાથી ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે. આ અંગે ડીસા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય પરબતજી રાઠોડએ જણાવ્યું કે, ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી જુનાડીસા રોડ ઉપર વહેલી સવારથી મોડી રાત સુધી નિયમ વિરૂધ્ધ અને ઓવરલોડ ડમ્પરો દોડી રહ્યા છે.

જેના લીધે રોડને ભારે નુકશાન અને પીવાના પાણીની પાઈપ લાઈનને પણ નુકશાન થયું છે. જેથી પાણી પણ ગંદુ આવે છે. લોકો રોગચાળામાં સપડાય તે અગાઉ પાઈપ લાઈન રિપેર કરાવવા અને ડમ્પર ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.