ચોકકસ સમાજના લોકો દ્વારા ખોટી રીતે જમીનના દસ્તાવેજો કરી આચરાયું કૌભાંડ :મંદિર હસ્તકની જમીનો પણ પોતાના નામે કરી
ખેડા જિલ્લાના માતર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત કરી બની બેઠેલા ખેડૂતોનો પર્દાફાશ કરતા મહેસૂલ મંત્રી
ચોકકસ સમયગાળા દરમ્યાન મોટા પાયે બનાવટી ખેડૂતો દ્વારા માતર તાલુકામાં જમીન જેહાદના મુળ સુધી પહોંચી કાયદા અન્વયે કાર્યવાહી કરવામાં આવશે
આ તપાસમાંકુલ ૧૭૩૦ ફેરફાર નોંધોની ચકાસણીકરેલ, જે પૈકી ૬૨૮ નોંધો શંકાસ્પદ જણાતા ૬૨૮ કેસમાં પ્રાથમિક તપાસ માટે નોટીસ આપેલ છે તથા કુલ ૨૬૦ કેસ ગણોતધારાનીકલમ૮૪(સી) હેઠળ કાયદેસરની કાર્યવાહીને પાત્ર જણાતા તે અંગે નોટીસ આપી કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને અગાઉના ૫ વર્ષના કેસોની પણ ચકાસણી શરૂ કરાવેલ છે.
આ ૨૬૦ કેસ જેની સામે કાર્યવાહી શરૂ કરેલ છે તે જમીનો આશરે ૧૯૦૦ વીઘા જેટલી મોટી માત્રામાં છે અને તેની અંદાજીત બજાર કિંમત જોઇએ તો આશરે ૨૦૦ કરોડ રૂપીયાની આસપાસ થાય છે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના છે કે, સાચા વ્યક્તિને કોઈ દંડ ન થાય અને ખોટો વ્યક્તિ બચી ન જાય તેની મહેસુલ વિભાગ કાળજી રાખશે. એક જ સમાજના વ્યકિતઓ વધુ પ્રમાણમાં ખેડૂતોની જમીન લઇ રહ્યા છે. તે માતર અને રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય છે. જો કોઈ ગેરકાનૂની કામમાં કોઈ અધિકારી કર્મચારી સંડોવાયેલા હશે તેને પણ સરકાર છોડશે નહિ.આ તપાસમાં કસુરવાર તમામ વ્યક્તિઓ સામે કોઇપણ નાત, જાત, ધર્મની હશે કે કોઇપણ પદ, હોદ્દાની ઉપર હશે કોઇની પણ શેહ શરમ રાખ્યા સિવાય દરેકની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજયના ગરીબ પરિવારોની મહામૂલી જમીન
ખોટી રીતે પચાવી પાડી ખેડૂત બનતા તત્વો ચેતી જાય આવા તત્વોને રાજય સરકાર બક્ષસે નહી. આવી ખોટી રીતે ફર્જી દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર તત્વો પાસેથી તમામ જમીન રાજય સરકાર પરત મેળવશે.
ખેડા જિલ્લાના માતર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત કરી બની બેઠેલા ખેડૂતોનો પર્દાફાશ કર્યા બાદ મીડિયાને માહિતી આપતાં મહેસૂલ મંત્રી એ કહ્યું હતું કે, કોઈ એક ચોકકસ સમાજના લોકો દ્વારા ખોટી રીતે જમીનોના દસ્તાવેજો કરી આ કૌભાંડ આચરાયું છે.ફર્જી ખેડૂત બનવા માટે ફંડીંગ કરાતું હોય એવું પણ તંત્રના ધ્યાને આવ્યું છે અને આવા તત્વો દ્વારા મંદિર હસ્તકની જમીનો પણ પોતાના નામે કરી છે આવા તત્વોને રાજય સરકાર છોડશે નહી.
મંત્રી એ ઉમેર્યું કે,રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે, જે વ્યકિતઓ બનાવટી ખેડૂત બની ગયા છે. તેમના ઉપર રાજ્ય સરકાર કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેશે તથા ગુજરાત સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર છે. જે ખેડૂત બનાવટી ખેડૂત બની રાજ્ય સરકારની યોજનાઓના લાભ લેશે તેને રાજ્ય સરકાર આકરી સજા પાઠવશે. બનાવટી ખેડૂત જે હશે તેની જમીન સરકાર હસ્તક લેવામા આવશે. આજે સવારે કચેરીઓ ખુલવાના સમયે જ મંત્રીએ માતર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઇ ચકાસણી કરી હતી.બનાવટી ખેડૂતની માહિતી ગુજરાત સરકારને હર હંમેશ મળતી હોય છે. બનાવટી ખેડૂતની મળતી માહિતી મુજબ ૨૦૧૨-૨૦૧૩મા કેટલાક કેસો જોવામાં આવ્યા છે. આ કામગીરીમાં માતરના અધિકારીઓ પર પણ આક્ષેપો થયા છે કસુરવાર અધિકારીઓને પણ છોડવામાં આવશે નહી તેમ જણાવી મહેસુલ મંત્રીએ ઉમેર્યું કે, બનાવટી ડોક્યુમેન્ટ જે પણ વ્યક્તિ એ રજુ કર્યા છે એમની સામે કોર્ટની કલમ ૪૬૫,૪૬૭,૪૬૮ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગ પણ આ કામગીરીમાં મહેસુલ વિભાગ સાથે સંકલનમાં છે.
મહેસુલ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતનો દરરજો એ ધરતીના તાતનો દરજ્જો છે. કલોલ, પેટલાદ, રાણપુર, મહેમદાવાદ, પ્રાંતિજ, નડિયાદગ્રામ્ય, ધંધુકા, જોડિયા, સાણંદ, વેજલપુર, ઉંજા, તારાપુર, સોજીત્રા, બોરસદ,શહેરા, ખેડા, ડભોઇ, મહુધા, સાંથલપુર, અંકલેશ્વર, થરાદ, ખંભાળિયા, વલ્લભીપુર તથા અન્ય જિલ્લા અને ગામોના ભળતા નામો વાળા ખેડૂત ખાતેદાર હોય તેવી વ્યક્તિઓના ૭/૧૨ના ઉતારા મેળવી નિયમિત રીતે વેચાણમાં આપેલી જમીનો ખોટી રીતે નોંધો પડાવી છે, આ ખોટી નોંધોમાં તંત્રની ચૂક અને ઈરાદામાં ખોટ હોઇ શકે છે. એની તપાસ પણ મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવશે. આવા કિસ્સામાં જાગૃત નાગરિકોએ મહેસુલ વિભાગને જાણ કરી છે. મહેસુલ મંત્રીશ્રીએ તંત્રને જાણ કરવા બદલ નાગરિકોનો આભાર માન્યો. કરોડો રૂપિયાની જમીનના પૈસા જે તે સમાજના લોકો પાસે ક્યાંથી આવ્યા તેની તપાસ પણ મહેસુલ વિભાગ દ્વારા કરવામા આવશે.
મહેસુલ મંત્રીએ ગુજરાતના તમામ મામલતદારોને જમીનને લગતા કેસોમાં કાળજી લેવાનું સૂચવ્યું. માતર ખાતે એક કેસમાં જમીન ૩ વ્યક્તિના નામે હતી. વર્ષ ૨૦૦૬ માં વારસાઈ થતા ૪૪ વ્યક્તિઓના નામે જમીન દાખલ થઇ હતી. આ કેવી રીતે શકય બને તેમ મહેસુલમંત્રી એ ઉમેર્યું હતું.
મહેસુલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી એ દુઃખ વ્યકત કરતા કહ્યું કે, ભગવાનના મંદીરને પણ આ લોકો છોડતા નથી. વણસર ગામના મહાદેવના મંદિરના નામે બોલાતી જમીન પણ વહીવટ કરતાએ જમીન વેચાણમાંથી પ્રાણનાથ મહાદેવનું નામ કમી કરી દીધું અને એ રીતે આ જમીન ખરીદી છે. મંત્રી એ વધુમાં ઉમેર્યું કે, શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલે છે. ભગવાન મહાદેવની મંદિર જે વ્યક્તિએ લીધી છે, એને છોડવામાં આવશે નહિ.
ગુજરાત સરકાર કોઈ પણ ધર્મના ધાર્મિક સ્થાનની, ખેતીની, જમીનમાં વહીવટકર્તાનું નામ ઘુસાડી અને પડાવી લેવા વિચારતા વ્યક્તિને નહિ છોડે. માતરમાં એક ધર્મના ખાતેદારની જમીનમાં વીલથી અન્ય ધર્મના વ્યક્તિનું નામ દાખલ થયું છે અને માતરમાં એક બારોટની જમીનને ગઢવીના નામે ખોટી રીતે કરવામાં આવી છે તેની પર પણ કેસ કરવામાં આવશે. આ તમામ જમીન સરકાર હસ્તક લેવાની તમામ કાર્યવાહી કરવામાં આવશે. મહેમદાવાદ તાલુકાના રૂદણની જમીન એક બહેનના નામે હતી જેનું નામ બદલીને અન્ય બહેનનું ભળતું નામ કરી નાંખવામાં આવ્યું. હકીકતમાં આ બંને બહેનાના નામ ફેર હતા પરંતુ વ્યક્તિ એક જ હતી. અને ત્યાર બાદ તેમના પૌત્ર ગુલામ નબીનું નામ દાખલ કરવામાં આવ્યું. આ બહેન સામે પણ કેસ કરવામાં આવશે અને ફોજદારી ફરિયાદો કરવામાં આવશે તેમ મહેસુલમંત્રી એ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદ્રષ્ટિના કારણે ગુજરાત અને સમગ્ર દેશ-વિશ્ર્વમાં અમદાવાદ દેશનું આર્થિક અને મહત્વનું શહેર બની રહયું છે. ત્યારે તેના વિકાસને અવરોધવા માટે અમદાવાદ શહેરની આજુબાજુના મહત્વના શહેરો અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ખેડુત બની મોટા પાયે ખેતરની જમીનો ખરીદીને ખેડુત બનાવી દેવામાં આવે છે. એ પણ તપાસનો વિષય છે કે મોટા પાયે જમીનો ખરીદવાના આટલા બધા રૂપિયા પણ કયાંથી આવે છે. પરંતુ દેશ વિરોધી તત્વોના આવા કારસ્તાનોને સફળ થવા દેવામાં આવશે નહિં.
આ પ્રસંગે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, પ્રાંત અધિકારી કાચા, મામલતદાર ભગત સહિત મહેસુલ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિલીપ ગજજર
નોંધનીય કિસ્સાઓ.
૧. મોજે –માતર
એક કિસ્સામાં અમદાવાદના મોજે બહેરામપુરા, તા.મણીનગરની જમીન જે બિનખેતી હોવાની સંભાવના છે. તે જમીન ખાતેદારના અવસાન બાદ તેનું પેઢીનામું તલાટીશ્રી દરિયાપુર કાઝીપુર સમક્ષ બનાવેલ છે. જ્યારે વારસદારોના રૂબરૂ જવાબ તલાટી કમ મંત્રી બહેરામપુરા સમક્ષ નોંધાવેલ છે. કોઇ ચોક્કસ હેતુ માટે કરેલ તેમ જણાવેલ છે. તે જમીનમાં કમાલભાઇના નામનો કમાલવાલા અટક તરીકે ઉપયોગ કરીકમાલ કરેલ છે.
૨. મોજે – વણસર તા-માતર
મોજે-વણસર ગામની પ્રાણનાથ મહાદેવના નામે ચાલતી જમીનમાં કલેક્ટરશ્રી ખેડાએ વહીવટ કર્તાની વારસાઇનો તા-૧૫/૪/૨૦૧૩૩ ના રોજ હુકમ કરેલ તે હુકમને પરવાનગી ગણી વ.ક.એ જમીન વેચાણ કરવાથી પ્રાણનાથ મહાદેવનું નામ કમી થયેલ છે.
તેમાં વેચાણ રાખનારે મોજે-બેરાજા તા-જોડીયા ની જમીન બિન ખેડૂત હોવા છતાં બક્ષીસથી પ્રાપ્ત કરી તે આધારે જોડીયા તાલુકાની મોજે-જામસરની જમીન ખરીદી તેના આધારે સવાલવાળી પ્રાણનાથ મહાદેવના નામે ચાલતી જમીન ખરીદી ખોટી રીતે નામે દાખલ કરાવેલ છે.
હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલ છે લોકો ભગવાન મહાદેવની આરધના કરી રહ્યા છે તેવા ભોળીયા ભગવાન ભોળાનાથ “પ્રાણનાથ મહાદેવ’ ના નામે વણસર ગામે ચાલતી જમીન બિન ખેડૂત વ્યક્તિએ વેચાણ રાખ્યાનું જણાયેલ છે.
૩. મોજે - માતર
સાણંદ તાલુકાની હિન્દુ ખાતેદારની જમીન વીલથી મુસ્લીમ વ્યક્તિનું નામ દાખલ કરાવી તેના આધારે દશક્રોઇ તાલુકામાં જમીન ખરીદી દશક્રોઇના આધારે ખરેટીમાં અને ખરેટીના આધારે માતર તાલુકામાં જમીન ખરીદી આમ મૂળથી વીલ આધારે બિન ખેડૂત આંતર ધર્મી વ્યક્તિનું નામ દાખલ કરાવી તે વ્યક્તિના નામે ઉત્તરોત્તર જમીન ખરીદ વેચાણનો કિસ્સો ધ્યાને આવેલ છે.
૪. મોજે –માતર
મોજે-શીવા તા-ભાણવડ ગામે સને-૧૯૮૫ માં ભળતા નામે વહેંચણી કરી બારોટ અટક વાળી વ્યક્તિની જમીનમાં ગઢવી વ્યક્તિનું નામ દાખલ કરાવેલ તેના દેવભુમી દ્વારકા પ્રાંત અધિકારીના દાખલાના આધારે માતર તાલુકામાં જમીન ખરીદી નામે દાખલ કરાવેલ છે.
૫. મોજે – રૂદણ તા-માતર
મોજે-રૂદણ તા-મહેમદાવાદ ગામે અમીનાબીબીના નામે જમીન હતી.આ અમીનાબીબી અને મદીનાબીબી એક જ વ્યક્તિ છે તેવા સોગંદનામાના આધારે મદીનાબીબીની હયાતીમાં વારસાઇ કરી તેમના પૌત્ર ગુલામનબીનું નામ દાખલ કરાવી મામલતદાર મહેમદાવાદના દાખલાના આધારે માતર તાલુકાના સાયલા ગામે જમીન વેચાણ રાખી નામે દાખલ કરાવેલ છે.
૬. મોજે – ઇન્દ્રવર્ણા તા-માતર
મોજે-ઇન્દ્રવર્ણા તા-માતર ગામે એક (મુસ્લીમ) વ્યક્તિ એ જમીન વેચાણ કરેલ તે જમીન તેઓએ વેચાણથી પ્રાપ્ત કરેલ હતી.તે વેચાણની નોંધના કાગળોના આધારમાં તેઓના પિતા જે બિન ખેડૂત હતા તેઓના નામે જમીન વેચાણ રાખેલ હતી આમ જમીન વેચાણ આપનાર તથા તેની પિતા પોતે પણ બિન ડૂત હતા.
૭. મોજે –માતર
મોજે-માતરના બે ખાતાની જમીન મૂળ 3 વ્યક્તિઓના નામે હતી તેની સને-૨૦૦૬માં વારસાઇ થતાં ૪૪ વ્યક્તિઓના નામો દાખલ થયેલ હતા.
પરંતુ નોંધના કાગળોમાં આ ૪૪ વ્યક્તિઓનું પેઢીનામું રજુ થયેલ જણાતું નથી. ત્યારબાદ આ ૪૪ વ્યક્તિઓ પૈકી મહીલાઓએ તેમના મોસાળ પક્ષે ભાણી ભાણીયાઓના નામ હયાતીમાં વારસાઇથી દાખલ કરાવેલ છે.
તેમજ સને -૨૦૦૬ ની વારસાઇમાં માતાની ઉંમર ૪૯ વર્ષ દર્શાવી છે જ્યારે તેના પુત્રની ઉંમર ૫૧ વર્ષ દર્શાવેલ છે.તેથી પેઢીનામા વગર થયેલ વારસાઇ હુકમ શંકા ઉપજાવે છે.
૮. મોજે –માતર
મોજે-માતર ખાતે એક ફાર્મ હાઉસના માલીકે જે જમીન વેચાણ રાખેલી તેના આધારમાં મોજે-સંધાણા તા-માતરનો પુરાવો મુકેલ હતો પરંતુ મોજે-સંધાણાની તે જમીનમાં તેઓનું નામ દાખલ થયેલ નથી તેમા છતાં ફાર્મ હાઉસના માલીકનું નામ દાખલ થયેલ છે.
૯. મોજે -અસામલી તા - માતર
માતર તાલુકાના મોજે- અસામલી ગામની ભરવાડ જ્ઞાતીના ખાતેદારની જમીનમાં વારસાઇથી મુસ્લીમ ધર્મના વ્યક્તિનું નામ દાખલ કરાવી તે વ્યક્તિની વારસાઇ કરાવી વારસદારોના નામે અસામલી ગામે બીજી જમીન વેચાણ રાખેલ છે.
માતર તાલુકાના ગામોમાં જમીનો વેચાણ રાખનાર ઇસમોએ મોટાભાગે દશક્રોઇ, નારોલ, વટવા, પેટલાદ, રાણપુર, મહેમદાવાદ, પ્રાંતિજ, નડીયાદ(ગ્રામ્ય), વાગરા, ધંધુકા, જોડીયા, સાણંદ, ધોળકા, વેજલપુર, ઉંઝા, તારાપુર, સોજીત્રા, બોરસદ, શહેરા, ખેડા, કલોલ, ડભોઇ, મહુધા, સાંતલપુર, અંકલેશ્વર, શિનોર, થરાદ, ખંભાળીયા, વલભીપુર, ભાણવડ તાલુકાના ગામોના ભળતા નામ વાળા વ્યક્તિ જે ખેડૂત ખાતેદાર હોય તેવી વ્યક્તિના ૭ X૧૨ મેળવી તેના આધારે જમીનો વેચાણ રાખી નોંધ પડાવી જમીનો ખોટી રીતે નામે કરાવી તંત્ર ગુમરાહ થાય તેવા કૃત્યો કરેલ છે તેમાં તંત્રના પણ કોઇ ખાસ વ્યક્તિઓની સંડોવણી નકારી શકાય તેમ નથી.