ડીસાની બે મહિલાઓ કોરોના પોઝિટિવ: બંને મહિલાઓને હોમ આઈસોલેશનમાં ખસેડાઈ; ગુજરાતમાં કોરોના કેસ વધતા લોકોમાં ચિંતા વધી
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોવિડ-19 મહામારીને ત્રણ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. ભારતમાં કોરોના મહામારીના કારણે લોકડાઉનને ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે. ત્યારે ફરીથી કોરોના મહામારીએ પોતાનું માથું ઊચક્યું છે. જેમાં ગુજરાતમાં કોરોનાના કેસો એક્ટિવ થયા છે. બનાસકાંઠામાં પણ ડીસા શહેર અને ડીસા તાલુકાના વરનોડા ગામે 30 વર્ષ અને 65 વર્ષની એમ બે મહિલાઓ કોરોનાની ઝપેટમાં આવી છે.
બંને મહિલાઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના ધ્યાને આવતા તેમની સારવાર બાદ તેમને તુરંત હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે. ઘણા લાંબા સમય બાદ કોરોનાના કેસો એક્ટિવ થતા આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વધુને વધુ ટેસ્ટ કરી કોરોનાના દર્દીઓનું ડિટેક્શન શરૂ કર્યું છે.