દાહોદ, તા. ૧૫ : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૫.૦૩.૨૦૨૩ થી તા.૧૯.૦૩.૨૦૨૩ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, વડોદરા અને દાહોદમાં પવન સાથે કમોસમી માવઠું /છુટાછવાયા/સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. તેમ છતાં આ મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવ્યો છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.