છોટાઉદેપુર કુંડલ પાવીજેતપુર રૂટની બસ અનિયમિત સેવાથી વિદ્યાર્થીઓ અને નાગરિકોને હાલાકી
છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં એસ.ટી. બસ નિયમિત ન આવતી હોવાની બૂમરાણ મચી છે. છોટાઉદેપુર ના ધોરીસામલ, કુંડલ, સટુન, બાર પાવીજેતપુર રૂટ ઉપર બસનો સમય અને રૂટ બન્નેમાં અનિયમિતતા હોવાને કારણે વિદ્યાર્થીઓને,નાગરિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વિસ્તારના જાગૃત નાગરિકોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓને શાળામાં પહોંચવાનો સમય નક્કી હોય છે. તે પ્રમાણે ૯થી ૯-૩૦ની વચ્ચે બસ હોવા છતાં તે બસો એક-એક કલાક મોડી આવતા પાસ હોવા છતાં વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોમાં મુસાફરી કરીને સ્કૂલમાં પહોંચવું પડે છે. તે કારણે વિદ્યાર્થીઓએ આર્થિક ફટકા સાથે હેરાનગતિ પણ વેઠવી પડે છે.૮૦% લોકો બસ અનિયમિત થતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. શાળાઓ શરૂ થઈ છે ત્યારથી અપડાઉંન કરતા વિદ્યાર્થીઓ પૈસા ખર્ચીને પ્રાઇવેટ વાહનવ્યવહારમાં મૂસાફરી કરવા મજબૂર બન્યા છે. આ બાબતે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં બસોનો સમય નિયમિત ન થઈ રહ્યો હોવાની વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓમાં એવી પણ ફરિયાદ ઊઠી છે કે છોટાઉદેપુર ડેપોમાં રજૂઆત કરવામાં આવતા ફરજ પરના અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપતા. પરીક્ષાના દિવસોમાં તો આ બસ નિયમિત દોડાવાય તેવી માગણી કરી હતી.
છોટાઉદેપુર એસ. ટી. ડેપોમાંથી ઉપડતી એસ. ટી.બસ અનિયમિત હોવાની સાથે બીજે, ત્રીજે દિવસે બસ ન આવતાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા પચાસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે શાળામાં પહોંચી શકતા નથી. આ અંગે કુંડલ ગામનાં પૂર્વ સરપંચ રાકેશભાઈ રાઠવાના જણાવ્યા મુજબ છોટાઉદેપુર થી આવતી બસ માં કુંડલ, આંબાખૂટ, સટૂંન,બાર ગામનાં અને અન્ય ગામોના વિદ્યાર્થીઓ ભીખાપુરા, કદવાલ,ડુંગરવાટ, પાવીજેતપુર હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે, પણ એસ.ટી. બસ અવારનવાર રદ થતાં કેટલીક વખત તો પોતે ખાનગી વાહનથી વિદ્યાર્થીઓને હાઇસ્કૂલમાં પહોંચાડયા છે.
આમ, છોટાઉદેપુર કુંડલ પાવીજેતપુર રૂટની બસ અનિયમિત સેવાથી કદવાલ વિસ્તારથી ૪૨થી વધુ ગામોની જનતાને સામનો કરવો પડી રહ્યો છે.