ડીસામાં પધાર્યા નેધરલેન્ડના બટાટા નિષ્ણાંત: બટાટાના ખેતર અને કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લીધી; ધારાસભ્ય, કોલ્ડ સ્ટોરેજ સંચાલકો અને ખેડૂતો સાથે ગુણવત્તાથી લઈ નિકાસ સુધીની ચર્ચા કરી

નેધરલેન્ડના બટાટા નિષ્ણાંત હાર્મ ગ્રોએનવેગ ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેઓ આજે બટાટા નગરી તરીકે ઓળખાતા બનાસકાંઠાના ડીસાની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓએ ધારાસભ્ય પ્રવિણ માળી, કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફુલચંદ માળી અને ખેડૂત અગ્રણીઓ સાથે મળી બટાટાના ખેતરો અને કોલ્ડ સ્ટોરેજની રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં બટાટા સ્તોરેજની પ્રક્રિયા તેમજ ખેતરમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતા વાવેતર અને લણણીની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. સાથે જ તેઓએ જિલ્લાના ખેડુતોને બટાકાની ખેતી માટે ઉત્તમ ગુણવત્તાનાં બિયારણ, બટાકામાં ટેકનોલોજી થકી અત્યાધુનિક ખેતી અપનાવી નિકાસલક્ષી ઉત્પાદન, રોગ-જીવાત નિયંત્રણ, સ્ટોરેજ વ્યવસ્થાપન અને બજાર વ્યવસ્થાપન અંગે રાજ્યનાં ખેડૂતોને માહિતગાર કર્યા હતા.