સેવ પોરબંદર સી ના સભ્યોએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાની મુલાકાત લઈ આવેદન આપ્યું
આજરોજ સેવ પોરબંદર સી ના તમામ સભ્યો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને રૂબરૂ મુલાકાત લઈ રજુઆત કરી
સંયોજક ડૉ નૂતનબેન ગોકાણીએ જણાવ્યું કે છેલ્લા ઘણા વખતથી અમારી નજર જેતપુર પ્રિન્ટિંગ મિલ્સના પગલાંઓ તરફ હતી...કારણ કે તેમણે વચ્ચે તેવા સમાચાર વહેતા કરેલા કે અમે ભાભા એટોમિક એનર્જીનો પરમાણુ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરીએ છીએ, જેનાથી પાણી 2 ટી.ડી.એસ જેટલું ચોખ્ખું થશે અને એ પાણી ઉદ્યોગો અને ખેતીમાં વાપરશું...પણ એટલા મહિના ગયા આવો કોઈ પ્લાન્ટ ચાલુ નથી થયો.
આ દરમ્યાન ટીમ મુખ્યમંત્રીને પણ મળી... તેમણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને વિગત માટે કહ્યું તો છાપેલ જવાબ આવી ગયો સબ સલામત...અમે જે કામ કરીએ છીએ તે લોકોના હિત રાખી અને ઝીરો પોલ્યુશનનું પાણી દરિયામાં નાખશું...
અમારો મુદ્દો એટલે જ છે કે આટલું શુદ્ધ પાણી અને રોજ ૮૦,૦૦૦ લીટર દરિયામાં શા માટે નાખો? ખેડૂતોને આપો.. જેતપૂરની આજુબાજુથી લઇ ઘેડની અંદર આવતું તમામ પાણી ઝેરી રસાયણ વાળું જ છે. લગભગ ૨૫૦થી વધુ પત્રો સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે મોકલ્યા પોલ્યુશન બોર્ડને પણ એક સરખા છાપેલા જવાબો આપે છે.
ટેન્ડર્સ બહાર પડી ગયા અને કોન્ટ્રાક્ટ અપાય ગયા છે એટલે આ વિષયને હળવાશથી લેવાય તેવો નથી.
જેથી ગઈકાલે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાને સેવ પોરબંદર સી ટિમ દ્વારા આવેદન આપી સરકારમાં આ બાબતે રજૂઆત કરવા વિનંતી કરી.
અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું કે આ મુદ્દો પોરબંદરની જનતા માટે ખૂબ ગંભીર છે. ટેકનિકલ કારણોથી જો આ પાણી ફિલ્ટર થયા વિના દરિયામાં જશે તો જેતપુરની જેમ આવતા વરસોમાં પોરબંદર પાયમાલ થઈ જશે. ગંભીર રોગોથી જીવ માત્ર પિડાશે. માછીમારી ઉદ્યોગ તો બંધ થઈ જશે. અને ૪૫ વરસથી જેતપુર પીડાય રહ્યું છે હજુ તેનો ઉદ્ધાર નહિ થયો વિશ્વમાં અદ્યતન ટેકનોલોજી છે તો એનો ઉપયોગ કરી શકાય. દરિયો પ્રદૂષિત કરવો કોઈ કાળે વ્યાજબી નથી.
અર્જુનભાઈએ સેવ પોરબંદર સી ટીમને વિશ્વાસ આપતા જણાવ્યું હતું કે પોરબંદર માટે ઘાતક આ યોજના રોકવા મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ અને આગામી ફેબ્રુઆરીમાં મળનાર વિધાનસભા સત્રમાં પણ રજુઆત કરવાની ખાત્રી આપીને જણાવ્યું હતું કે ઉદ્યોગો ગુજરાતના વિકાસનો પાયો છે પણ જનતાના આરોગ્યના ભોગે નહીં. જનતાના આરોગ્યની જવાબદારી અને આવતી પેઢીઓને નુકશાન ના થાય તે જોવાની સરકારની ફરજ છે .
ધારાસભ્યએ અમારા આ કાર્યમાં તેઓ પોરબંદરની પ્રજા સાથે છે તેવું આશ્વાશન આપ્યું અને પોરબંદરના લોકોને પણ આહવાન કર્યું કે આપ સહુ સાથે મળી અવાજ બુલંદ કરો. વધુ લોકો જોડાશે તો સરકાર પણ તમારો અવાજ સાંભળવા મજબૂર થશે.
ટીમ એ પણ બુલંદ અવાજે કહ્યું કે મહાત્મા ગાંધીના જન્મભૂમિના લોકો ક્યારેય અન્યાય નહિ સહન કરે. અમે સહુ સાથે જ આ કાર્ય કરશું.અમને લોકો પર વિશ્વાસ છે .
ડૉ સુરેશ ગાંધી, લાખણસી ગોરાણીયા , રાજેશ લાખાણી, વીનેશ ગોસ્વામી, પંકજ ચંદારાણા, નિધિં શાહ, ડૉ સિદ્ધાર્થ ગોકાણી, ડૉ રિતિજ્ઞા ગોકાણી, ધર્મિષ્ઠા જેઠવા,પૂજન કવા વગેરે જોડાયા હતા. ધારાસભ્ય અર્જૂનભાઈના હકારાત્મક વલણ બદલ સેવ પોરબંદર સી ટીમે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.