ડીસામાં ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી: માળી સમાજ દ્વારા ઘેર અને લુર નૃત્ય રમી હોળીની અનોખી ઉજવણી; મારવાડી સંસ્કૃતિને બચાવવા માળી સમાજનો એક પ્રયાસ
પુરુષોના પ્રાચીન નૃત્ય અને મહિલાઓના લોકગીતોને સાંભળો. આ નવરાત્રિમાં ચાલતા મા અંબાના ગરબા નથી, પરંતુ બનાસકાંઠાના ડીસામાં હોળીના પર્વની થતી પ્રાચીન પરંપરાનો એક હિસ્સો છે. રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્ત્વ આપે છે. હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં ડંડા લઇ ઘેર નૃત્ય રમતા હોય છે.જ્યારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લુર નૃત્યમાં ભાગ લેતી હોય છે, પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી, પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાઈ થયેલા રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા 25 વરસોથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખતા દર વરસે ધુળેટીની સમી સાંજે ઘેર અને લુર નૃત્યની રમઝટ બોલાવે છે.