ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. ગઈ કાલ રાત્રે ડીસા તાલુકાના ભોયણ ગામે પણ તસ્કરો ચાર દુકાનોના તાળાં તોડી રૂ.3 લાખ ઉપરાંત મુદ્દામાલની ચોરી કરી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પહેલા ડીસાના આખોલ ચાર રસ્તા પાસે બેથી ત્રણ વખત દુકાનોના એકસાથે તાળાં તૂટ્યા હતા. જ્યારે અનેક ગામોમાં તસ્કરોએ દુકાનો-મકાનોને નિશાન બનાવી હતી. હવે ગઈ રાત્રે ડીસા તાલુકાના ભોયણ ગામે તસ્કરોએ એકસાથે ચાર દુકાનોના તાળાં તોડી હાહાકાર મચાવ્યો હતો.
અજાણ્યા તસ્કરોએ ભોયણ ગામના પાટીયાથી ભોયણ રેલવે ફાટક માર્ગ પર આવેલ કોમ્પલેક્ષમાં ખાતર, બિયાંરણ, સિમેન્ટ સહિતની ચાર દુકાનોના તાળાં તોડ્યા હતા. તેઓ દુકાનોમાંથી રૂપિયા ત્રણ લાખ ઉપરાંત મુદ્દામાલ પણ ચોરી કરીને લઈ ગયા હતા. સવારે ચોરીની જાણ થતા સમગ્ર ગામમાં હાહાકાર વ્યાપી ગયો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી હતી.