બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ આવાળા ગામની સીમમાં આવેલ કબ્રસ્તાનની બાજુમાં ઉભેલા લીંબડીના ઝાડ પર કોઈ અજાણ્યા વૃદ્ધે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હોવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

અજાણ્યા વૃદ્ધની લાશ ફાંસો ખાધેલ હાલતમાં હોવાની જાણ અમીરગઢ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી લાશને ઝાડ પરથી નીચે ઉતરી લાશની ઓળખ માટે ચક્રો ગતિમાન કરતા લાશના વારસદારો મળી આવ્યા હોઈ મરણજનાર વ્યક્તિ આંબાપણી ગામના બાલકાજી દેવાજી રબારી હોવાનુ જાણવા મળ્યું હતું. 

મરણજનાર વ્યક્તિના વારસદારોએ પોલીસને જણાવ્યું હતું કે, તે અસ્થિર મગજના હોવાથી ઘણીવાર આ રીતે ઘરેથી નીકળી આવા કૃત્યો કરતા હતા. છેલ્લે તેઓ 23 તારીખના ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા અને આજે તેઓના મરણના સમાચાર મળેલ છે. મરણજનારના વારસદારોનો જવાબ લઈ એ.ડી. નોધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.