ડીસા તાલુકાના ભીલડી માર્કેટયાર્ડના બે વેપારીઓએ ભીલડી નાગરિક શરાફી મંડળીની લોન લઈ નાણા પરત ન ચૂકવતા ડીસાની નામદાર કોર્ટે બંને વેપારીઓને ચેક રીટર્ન કેસમાં છ-છ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટના આદેશથી મંડળીના અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ડીસા તાલુકાના વેપારી મથક ભીલડી ખાતે આવેલા મોરારજી દેસાઈ માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા ભરતકુમાર ઈશ્વરલાલ ઠક્કરે 2012માં 5 લાખની લોન લીધી હતી. જેમાં તેમણે 2018માં 12.52 લાખનો મંડળીને ચેક આપ્યો હતો. જ્યારે જીતેન્દ્ર ત્રિભોવનદાસ ઠક્કરે 2014માં 3 લાખની લોન લીધી હતી. જેમાં તેમણે 2018માં વ્યાજ સાથે 4.96 લાખનો ચેક આપ્યો હતો.

આ બંને વેપારીઓએ પોતાના ધંધા માટે ભીલડીમાં આવેલી ધી ભીલડી નાગરિક શરાફી સહકારી મંડળી લી. માંથી લોન લીધેલી હતી. જેના અવેજ પેટે બંને વેપારીઓએ શરાફી મંડળીને ચેક આપ્યા હતા. જોકે બંને વેપારીઓના ચેક બેંકમાં પૂરતું બેલેન્સ ન હોવાથી બાઉન્સ થયા હતા અને સમયસર નાણા ન ચૂકવતા મંડળી દ્વારા તેઓને અનેક નોટીશો પાઠવવામાં આવી હતી. તેમ છતાં બંને વેપારીઓએ મંડળીનું ઋણ ન ચૂકવતા મંડળીના મેનેજર અશોક ભેમાભાઈ પટેલે બંને વિરુદ્ધ ચેક રીટર્નની ફરિયાદ કરી હતી.

જે બંને કેસ ડીસાની ત્રીજા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એચ.એચ. વિશ્નોઈએ બંને વેપારીઓને ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુનામાં તકસીરવાર ઠેરવી છ-છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો. તેમજ બંને વેપારીઓએ ચેકની રકમ 60 દિવસમાં ચૂકવી દેવા અને જો ચેકની રકમ ન ચૂકવે તો એક માસની વધુ સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.