નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાની અધ્યક્ષતામાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લામાં ધો.૧૦ માટે ૩૩ કેન્દ્ર પર ૨૮,૨૫૨ વિદ્યાર્થીઓ તથા ધો.૧૨ માટે ૨૧ કેન્દ્ર પર ૧૮,૪૬૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે
આજરોજ પંચમહાલ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ, ગોધરા ખાતે યોજાઇ હતી. આગામી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ પરીક્ષાનું સુચારુ આયોજન થાય તેના અનુસંધાને સબંધીત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરાઇ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં પરીક્ષા બાબતે તમામ તકેદારીઓ રાખવામાં આવે તથા તટસ્થ રીતે પરીક્ષાઓ યોજાય તે અનિવાર્ય છે. તેમણે વિધાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેવું જણાવ્યું હતું. આ વેળાએ પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણુંક, ઝોનલ અધિકારીઓ, આયોગના પ્રતિનિધિઓ,તકેદારી સુપરવાઈઝર, સ્થળ સંચાલક, સ્ટ્રોંગ રૂમ, પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત, પરીક્ષા બિલ્ડીંગ ખાતે સામાજીક અંતર જળવાય,પરીક્ષાના દિવસે વીજ પુરવઠો જળવાઈ રહે તેવી વ્યવસ્થા, તબીબી અને ૧૦૮ સેવા, બસ સેવા વગેરે બાબતોએ સુચારુ સલાહ સૂચનો કરીને યોગ્ય આયોજન કરવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે પંચમહાલ જિલ્લામાં ધો.૧૦ માટે ૩૩ કેન્દ્ર,૮૭ બિલ્ડીંગ ખાતે અને ૯૪૭ બ્લોક પર કુલ ૨૮,૨૫૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે જ્યારે ધો.૧૨ માટે ૨૧ કેન્દ્ર,૫૬ બિલ્ડીંગ ખાતે ૫૯૮ બ્લોક પર ૧૮,૪૬૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપશે.જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ માટે ૦૨ કેન્દ્ર,૧૦ બિલ્ડીંગના ૧૦૯ બ્લોક પર ૨૧૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ તમામ પરીક્ષાકેન્દ્રો ખાતે સીસીસીટી રેકોર્ડિંગ સાથે પરીક્ષા લેવામાં આવશે. આજની આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જીગ્નેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ સહિત સબંધીત વિભાગના વડાઓ હાજર રહ્યા હતા.