ડીસા તાલુકાના વિઠોદર ગામના યુવક મુકેશ વાઘેલાએ રાજસ્થાનના રેવદરની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેમાં યુવતી ગર્ભવતી થઈ હતી. ત્યારબાદ યુવતીને તેના પરિવારજનો બળજબરીથી ઉઠાવી ગયા હતા અને રેવદરની હોસ્પિટલમાં બળજબરી પૂર્વક બેભાન કરીને ગર્ભપાત કરાવ્યા બાદ રાજસ્થાનમાં અન્ય યુવક સાથે બળજબરી પૂર્વક લગ્ન કરાવી દીધા હતા. જે યુવકે યુવતી સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે અંગેની ફરિયાદ લઈને યુવતી ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસ મથકના પીએસઓ અને તાલુકા પીઆઇએ તેની ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો.
જેથી યુવતીએ આ બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી આપી હતી. જોકે એસપી દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આથી યુવતીએ ડીસાની જ્યુડિશિયલ કોર્ટમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીસા તાલુકા પીઆઈ એસ.એમ.પટણી સહિત 5 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવા ફરિયાદ દાખલ કરી હતી.
જે ફરિયાદ ડીસાની ચોથી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એમ.આર.કોઠારીયાએ બંને પક્ષના વકીલોની દલીલો સાંભળી ફરિયાદીની અરજી કાઢી નાખી હતી. બચાવ પક્ષના વકીલે દલીલો કરી હતી કે, યુવતીએ પોલીસને લેખિત અરજી આપ્યા બાદ પોલીસે તેઓને ફોન કરેલા છે, ઘરે ગયેલી છે અને પત્ર મોકલી પોલીસે પોતાની તમામ કાર્યવાહી કરી છે. જોકે અરજદાર ફરિયાદ કે નિવેદન આપવા આવ્યા નહોતા અને તેમના દોષના કારણે પોલીસ સામે પગલાં લેવા ઉચિત જણાતું નથી.
આથી બચાવ પક્ષની દલીલોને ધ્યાને લઈ જજે પોતાના હુકમમાં જણાવ્યું હતું કે, અરજદારે કોર્ટને ખરી હકીકત ન જણાવી તથા સરકારી કર્મચારીઓ પર પુરાવા વિના પાયા વિહોણા અક્ષેપો કરવા માટે રૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો છે. આ સાથે ફોજદારી કાર્યવાહી સહિતા કલમ 203 અન્વયે ફરિયાદ કાઢી નાખવામાં આવે છે. જ્યારે અરજદાર દંડ ના ભરે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દંડની રકમ વસૂલ કરવામાં આવે તેવો હુકમ કરવામાં આવ્યો હતો.