શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આદ્યશક્તિ માં અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોતયાત્રા યોજાઈ
ગબ્બરની અખંડ જ્યોત વડે તમામ ૫૧ શક્તિપીઠોમાં જ્યોત પ્રજ્વલિત કરાઈ
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના તૃતીય દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આદ્યશક્તિ માં અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોતયાત્રા યોજાઈ હતી. જેમાં અખંડ જ્યોત વડે તમામ ૫૧ શક્તિપીઠોની જ્યોત પ્રજ્વલિત કરાઇ હતી. શક્તિપીઠ અંબાજી માં માતાનું હૃદય પડ્યું હોવાની અને માં અંબા અહીં જ્યોત સ્વરૂપે સાક્ષાત બિરાજમાન હોવાની ધાર્મિક માન્યતાને કારણે શ્રધ્ધાળુઓમાં જ્યોત દર્શનની અભિલાષા હોય છે આથી માં અંબાની જ્યોત યાત્રામાં મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા અને ધન્યતાની અનુભૂતિ કરી હતી.
જ્યોત યાત્રા પ્રસંગે આદ્યશક્તિ માં અંબાના મૂળ સ્થાનક ગબ્બર થી અખંડ જ્યોતને પૂજા વિધિ અને પુરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તળેટી ખાતે લાવવામાં આવી હતી. માં અંબાની અખંડ જ્યોતને શ્રધ્ધાભાવથી ૫૧ શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન સાથે આવકારવામાં આવી હતી. તેમજ અખંડ જ્યોતથી તમામ ૫૧ શક્તિપીઠના તમામ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. જેમાં જગતજનની માં અંબેના જયજયકાર સાથે ભાવિક શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત ગબ્બર ખાતે ભારતના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા દરરોજ સાંજે મહાઆરતી યોજાય છે. જેમાં ભાવિક શ્રધ્ધાળુઓ પૂર્ણ આસ્થા સાથે જોડાઈ માં અંબાની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.