ગાયત્રી પરિવાર અંબાજી દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર વ્યસન મુક્તિ પ્રદર્શન કેન્દ્ર ઉભું કરાયું

યાત્રાળુઓને અને ખાસ કરીને યુવાનોને વ્યસન છોડાવવાનો સંકલ્પ લેવડાવી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા

           

યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં યાત્રાળુઓ વ્યસનના દુષણમાંથી મુક્ત બને એ માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ગાયત્રી પરિવાર અંબાજી દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર વ્યસન મુક્તિ પ્રદર્શન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ અને દારૂ સહિતના વ્યસનોથી મોં, આંખ, ગળા, ફેફસાં સહિતના અંગો પર થતી શારિરીક- માનસિક તકલીફો અને ગંભીર બીમારીઓ અંગેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ કેન્દ્ર દ્વારા યાત્રાળુઓને અને ખાસ કરીને યુવાનોને વ્યસન છોડાવવાનો સંકલ્પ લેવડાવી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

           ગાયત્રી પરિવાર અંબાજી દ્વારા સંચાલિત વ્યસન મુક્તિ કેન્દ્રના આચાર્ય રવિષ આચાર્યે જણાવ્યું હતું કે, પરિક્રમા પથ પર વ્યસન મુક્તિ પ્રદર્શની ગોઠવવામાં આવી છે જેના દ્વારા પરિક્રમા મહોત્સવ માં આવતા યાત્રાળુઓને વ્યસન મુક્તિ માટે સંકલ્પબદ્ધ કરવામાં આવી રહયા છે. તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું માર્ગદર્શન આપી લોકો વ્યસન છોડી તંદુરસ્ત જીવન જીવે એ માટે પ્રેરિત કરવામાં આવે છે. વ્યસન છોડનાર દરેક વ્યક્તિ ઓછામાં ઓછા એક અન્ય વ્યક્તિને પણ વ્યસન છોડાવે એવો સંકલ્પ લેવડાવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો આ પ્રદર્શન નિહાળી વ્યસન મુક્ત થવાનો સંદેશ પરિક્રમા મહોત્સવમાં આપી રહ્યા છે.