સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ નજીક આવેલા જે.બી ફાર્મ હાઉસમાં સારોલી ખાતેની નેચરવેલી હોમ્સ ખાતે રહેતા કલર કામના કોન્ટ્રાકટર સહિત મિત્રને બંધક બનાવી તમંચાની અણીએ તેમની બ્રિઝા ગાડી સહિત અન્ય મુદ્દામાલની લૂંટ ચલાવી ત્રણ અજાણ્યા એક્ટિવા ચાલક વિરૂદ્ધ ભોગ બનનારે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં લૂંટમાં સામેલ ત્રણ અજાણ્યા એક્ટિવા ચાલકની સાથે મદદગારીમાં સામેલ પલસાણા તાલુકાના ચલથાણ ગામના તેજસ દીપકભાઈ મૈસુરિયાને કામરેજ પોલીસે ઝડપી પાડયો હતો.મળતી માહિતી મુજબ લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં આરોપીઓ ભેગા થઈ લૂંટની ઘટના અંગેનો પ્લાન બનાવ્યો હોવાની વિગત પણ બહાર આવી હતી.ત્રણ અજાણ્યા એક્ટિવા સવાર પૈકી લૂંટની ઘટનામાં પડદા પાછળના કલાકાર તરીકેની ભૂંડી ભૂમિકા ભજવનાર તરીકે કામરેજ પોલીસે પકડેલા તેજસ મૈસુરિયાએ લૂંટની ઘટનાને અંજામ આપવાના સ્થળ તરીકે ફાર્મ હાઉસની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી આપી હતી.કામરેજ પોલીસને લૂંટની ઘટનાની તપાસ દરમ્યાન ગુનામાં સામેલ અન્ય આરોપીની કડી રૂપ મદદગારીમાં સામેલ એવા પલસાણાના ચલથાણ ખાતે આવેલા કુંભાર ફળિયા ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કરતા તેજસ દીપકભાઈ મૈસુરીયાની અટક કરી ગુનામાં સામેલ અન્ય આરોપી વિશે તપાસ હાથ ધરી હતી.