ડીસાના જાગૃત નાગરિક દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ કરતાં સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર માસ મટનની દુકાનો સામે તંત્ર તવાઈ બોલાવી રહ્યુ છે. જે અંતર્ગત ડીસામાં પણ લાઇસન્સ વગર ચાલતી 21 દુકાનો સામે નગરપાલિકા અને પોલીસની ટીમે સ્થળ પર પહોંચે કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર ગુજરાતમાં માંસ અને મટનની ગેરકાયદેસર દુકાનો ધમધમી રહી છે. જેમાં અગાઉ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી થઈ ન હતી. જે બાદ આ મામલે ડીસાના જાગૃત નાગરિક ધર્મેન્દ્ર ફોફાણી છેલ્લા બે વર્ષથી લડત ચલાવી રહ્યા હતા અને આખરે હાઇકોર્ટમાં આ મામલે ફરિયાદ કરતા તંત્ર સફાળું જાગ્યું છે. હાઇકોર્ટે ટકોર કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આવી ગેરકાયદેસર માંસ મટનની દુકાનોની યાદી તૈયાર કરવામાં આવી હતી.
ડીસામાં પણ 21 જેટલી ગેરકાયદેસર અને લાયસન્સ વગર દુકાનો ચાલી રહી હોવાનું જાણવા મળતાં નગરપાલિકા અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ડીસાના ગવાડી વિસ્તારમાં ચાલતી આવી ગેરકાયદેસર માસ મટનની દુકાનોની નગરપાલિકા અને પોલીસની ટીમે રૂબરૂ જઈ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી હતી.