ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં વર્ષ-2023 ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ડીસા સહિત જિલ્લાની તમામ કોર્ટોમાં 11 મી ફેબ્રુઆરીના રોજ પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

કોર્ટોમાં ભરાવો થઈ રહેલા કેસોનો ઝડપી નિકાલ આવે, ખાસ કરીને સમાધાનલાયક કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે ન્યાયતંત્ર દ્વારા લોક અદાલતોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની કોર્ટોમાં 2023ના વર્ષની પ્રથમ લોક અદાલત આગામી 11મી ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસુલી દાવા, દીવાની તકરારના દાવા, સમાધાન માટે મુકી શકાશે.

જે કોઈપણ પક્ષકાર ભાઈ-બહેનો તેમના સમાધાનપાત્ર કેસ સમાધાન માટે મૂકવા માગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહિત સુપ્રિટેન્ડન્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ન્યાય સંકુલના ભોંયરામાં, જોરાવર પેલેસ, પાલનપુર ટેલિફોન નંબર- 02742- 261495ના સરનામે સંપર્ક કરવા તથા તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટની તાલુકા કાનૂની સેવા સમિતિની ઓફિસનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સચિવ પી.પી. શાહે જણાવ્યું છે.