પર્વોની શ્રેણી દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે સિહોર શહેર સહિત પંથકમાં ધનતેરસની ઉજવણી કરવામાં આવી હતી. ધનતેરસ પર્વ નિમિત્તે ધનવન્તરી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી. પાવન દિવસે સિહોરવાસીઓએ પોતાના ઘરે સારા મુહૂર્તમાં રૂપિયાના સિક્કાથી માંડી સોના ચાંદીના દાગીનામાં વધારો કરી પૂજા અર્ચના કરી હતી. પૂજાની સાથે સાથે ભગવાનને પંચામૃતનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો.લક્ષ્મીપૂજનનો દિવસ એટલે ધનતેરસ. ધનતેરસ નિમિત્તે સિહોરના લોકોએ મહાલક્ષ્મી માતાની પૂજા અર્ચના કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓએ અમૃત પ્રાતતિ માટે કરેલા સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે પ્રગટેલા મહાલક્ષ્મી મોક્ષદાતા છે.પોતાના ઘરમાં તથા મંદિરોમાં લક્ષ્મીની પૂજા અર્ચના કરી હતી. સાંજના સમયે શુભ મુહૂર્તમાં પોતાના ઘરે લક્ષ્મીજીને પ્રિય લાલ પુષ્પો, શંખ, ગોમતીચક્ર, શ્રીફળ મુકીને પૂજાની શરૂઆત કરી હતી. ધનપૂજાની સાથે સાથે કુબેરની પૂજા કરવામાં આવી હતી. પોતાના ઘરની તિજોરીમાં તથા કબાટમાં ધન ન ખૂટે તે હેતુસર કેટલાક લોકોએ પૂજા અર્ચના બાદ શ્રીયંત્ર પોતાના ઘરમાં રાખ્યુ હતુ. તો કેટલાક લોકોએ ગત વર્ષે પૂજનમાં જે સિક્કાઓ તથા સોના ચાંદીના દાગીના મુક્યા હતા તેમાં એકનો વધારો કરીનેપૂજા કરી હતી. ધન, દાગીના તેમજ વાહનોની પૂજા કરવામાં આવી, શુભ મુહૂર્તમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી પણ થઇ, દિવાળીના તહેવારોને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો