સિહોરમાં આજે પણ મેઘમહેર વરસી હતી અને આજે 24 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જેથી સિહોરમાં આ ચોમાસામાં કુલ વરસાદ 313 મી.મી. થઇ ગયો છે. સિહોર આસપાસના ગામડાઓમાં પણ સારી વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે ધીમી ધારે 8 મી.મી. વરસાદ વરસી ગયો હતો. શહેરમાં મેઘાડંબર તો જામે છે પણ ધોધમાર વરસાદ વરસતો નથી. ભાવનગર શહેરમાં આ સિઝનમાં કુલ વરસાદ 395 મી.મી. એટલે કે 16 ઇંચ થવા આવ્યો છે. આમ ભાવનગર જિલ્લામાં શ્રાવણના પ્રારંભથી જ વરસાદનો નવો તબક્કો શરૂ થયો છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 27.4 ફૂટ થઇ આજે પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. ડેમમાં પાણીની સતત 2030 ક્યૂસેકની આવક શરૂ રહેતા આ ડેમની સપાટી 2 ઇંચ વધીને 27.4 ફૂટને આંબી ગઇ હતી. આ ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. આ ડેમમાં ઉપરવાસના ગુજરડામાંથી 2 ફૂટની આવક શરૂ હતી. ડેમમાં 214 મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ થઇ ગયો છે.