ડીસા તાલુકાના માલગઢ ગામની પરબડી (ક્રાન્તીનગર) મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ-ડીસા દ્વારા સોમવારે સમસ્ત બનાસકાંઠા માળી સમાજનો 22 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં 60 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી.
સમૂહ લગ્નના મુખ્ય યજમાન હીરાબેન દેવચંદજી કચ્છવા પરિવારના હસ્તે ફૂલચંદભાઇ, સુરેશભાઇ અને જગદીશભાઇ બિરાજમાન થયા હતા. સમૂહ લગ્ન સમિતિ દ્વારા નવદંપતિઓને ઉતારાની વ્યવસ્થા, આવનાર તમામ માટે ભોજનની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા કરાઇ હતી. જ્યારે મંગળસૂત્રના દાતા પેપાબેન નગાજી માળી, ભોજનના દાતા હીરાબેન ગીગાજી સવાજી માળી, મંડપના દાતા હીરાલાલ બાબરાજી ખેતાજી દેવડા અને વરી-વેશના દાતા બાબુજી કપુરજી ગેલોત સહીતના વિવિધ દાતાઓ દ્વારા દાન આપી આ સમૂહ લગ્નને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
જ્યારે પરમ પૂજ્ય ગૌભક્ત છોગારામજી બાપુએ નવદંપતિઓને આર્શિવચન પાઠવ્યા હતા. જ્યારે દાતાઓ દ્વારા નવદંપતિઓને ભેટ સોગાદો અપાઇ હતી. જ્યારે દાનવીર દાતાઓનું પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરાયું હતું. સમાજના લોકોએ સમૂહ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, માલગઢ ગામના પૂર્વ સરપંચ સોમાલાલ કચ્છવા, મફતલાલ ટાંક, નેમાજી કે. પઢિયાર, મંચ સંચાલક ગણપતભાઇ એસ. ભાટી, ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ભાજપના પી.એન. માળી, પાટણના નાયબ કલેક્ટર દલપતભાઇ ટાંક, ગુજરાત રાજ્ય વેરહાઉસીંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઇ માળી, અશોકભાઇ બી. ગેલોત (ગણપતિ), ગુજરાત માલી ફેડરેશન કાર્યકારી પ્રમુખ ભાવિકભાઇ પી. રામી, ડેલીગેટ નરેશભાઇ સોલંકી, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, માલગઢ યુવા સંગઠન કાર્યકરો, સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.