બનાસકાંઠામાં ડીસા-થરાદ હાઇવે પર આવેલ એક કોલ્ડ સ્ટોરેજમાં મોડી સાંજે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન અચાનક આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ડીસા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બુજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ડીસા થરાદ રોડ પર આવેલ રામેશ્વર કોલ્ડ સ્ટોરેજમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી. તે સમયે વેલ્ડીંગ કરતા અચાનક તણખો ઉડતા થર્મોકૉલની શીટમાં આગ લાગી ગઈ હતી. અચાનક આગ લાગતા અફરા તફરી સર્જાઈ ગઈ હતી. બનાવની જાણ થતા જ આજુબાજુના લોકો તેમજ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ કોલ્ડ સ્ટોરેજ પર પહોંચી હતી, અને આગ બુજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો કોલ્ડ સ્ટોરેજમાં મોટાભાગની થર્મોકૉલની શીટ આગમાં લપેટાઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી, પરંતુ કોલ્ડ સ્ટોરેજના માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા-થરાદ રોડ પર આવેલા આ રામેશ્વર કોલ્ડ સ્ટોરેજમાં ચાર વર્ષ અગાઉ પણ આગ લાગી હતી અને તે સમયે પણ કોલ્ડ સ્ટોરેજના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારબાદ આજે ફરી મોડી સાંજે આગ લાગતા નુકસાન થયું છે.