તાપી પુરાણ સહિત પુરાતન વૈદિક,ધાર્મિક શાસ્ત્રોમાં સૂર્ય પુત્રી તાપી માતાનું પવિત્ર અને અદકેરું અને માન ભર્યા સ્થાને જોવા મળે છે.સુરતનું પ્રાચીન સૂર્યપુર નામ સૂર્યપુત્રી તાપી માતાનું મહાત્મ્ય અને તેની ગરિમાને સ્થાપિત કરનારું છે.જેમ ગંગામાં સ્નાન માત્રથી અને તાપીના નામ માત્રથી મન્યુષના પાપો નષ્ટ પામે એવો પુરાતન વૈદિક શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે.ત્યારે એ જ સૂર્ય પુત્રી તાપી માતાની સંપૂર્ણ પ્રદક્ષિણા માટે તાપીના મૂળ ઉદગમ સ્થાન એવા મધ્ય પ્રદેશ ખાતેના મુલતાઈ થી નીકળેલા પદયાત્રી સંઘ કામરેજના તાપી નદી તટે વસેલા ઘલા ગામ ખાતે આવી પહોંચ્યો હતો.મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત ત્રણ રાજ્યો,128 પડાવ સ્થળો,1800 કી.મી નું અંતર સહિત 64 દિવસની સમયાવધી વાળા સંપૂર્ણ તાપી પ્રદક્ષિણા પદયાત્રી સંઘનું ઘલા સાંસ્કૃતિક સમન્વય સમિતી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો.ઘલા નજીક આવેલા ખૂટાઈ માતાના પવિત્ર પરિસરમાં ઘલા ગામના સેવાભાવી અને સખાવતી ભામાશા રાકેશભાઈ બી.રાઠોડના સૌજન્યથી તમામ પદયાત્રીઓને ભોજન વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.પવિત્ર તાપી માતાના મૂળ ઉદગમ સ્થાન એવા મધ્યપ્રદેશ ખાતેના મુલતાઇ થી 2જી જાન્યુઆરી 2023 થી શરૂ થયેલી સંપૂર્ણ તાપી પ્રદક્ષિણા યાત્રા મહારાષ્ટ્ર થઈ આજ રોજ ગુજરાતમાં આવી પહોંચી હતી.બાદમાં સુરતના દક્ષિણ કિનારા અને તાપી મિલન સ્થાન એવા ડુમસથી હજીરા દરિયાઈ માર્ગેથી પરત ફરી સંપૂર્ણ તાપી પ્રદક્ષિણા સંઘ ઉતર તરફ એટલે કે મધ્યપ્રદેશ ખાતેના તાપીના મૂળ ઉદગમ સ્થાન એવા મુલતાઈ જવા નીકળ્યો હતો.જે સંપૂર્ણ તાપી પ્રદક્ષિણા યાત્રાનું 5 મી માર્ચ 2023ના રોજ મધ્ય પ્રદેશના મુલતાઇ સમાપન થશે.