પ્રાકૃતિક ખેતી દ્રારા મૂલ્યવર્ધન કરી દેશી ગોળનુ ઉત્પાદન કરતા ખેડબ્રહ્મા રામનગરના ખેડૂતબંધુ
પોતાના બે શિક્ષિત પુત્રોએ બાપદાદાના ગોળ બનાવવાના વ્યવસાયને જીવંત કર્યો
પિતા-મનુભાઇ પટેલ
આત્મા સાથે જોડાયા બાદ પ્રાકૃતિક ખેતીના અભિગમ અને જરૂરીયાત અંગે સમજ મળી
શિક્ષિત ખેડૂત- આનંદભાઇ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રામનગરના યુવા બંધુ ખેડૂત ભાઈઓ આનંદ પટેલ અને નિધાનમ પટેલ દ્રારા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શેરડીનુ ઉત્પાદન કરીને પોતાના ખેતરમાં જ અલગ અલગ ફલેવરમાં દેશી ગોળનુ ઉત્પાદન કરીને મબલખ કમાણી કરી રહ્યા છે.
આનંદભાઇના પિતા ૫૭ વર્ષિય મનુભાઈ પટેલ જણાવે છે કે, તેમના બંન્ને પુત્રો તેમની ૫૦ વિધા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ પોતે પણ વ્યવસાયે ખેડૂત છે. પરંતુ રાસાયણીક ખેતી કરતા હતા. તેમના પિતા અને દાદા પહેલા ગોળ બનાવવાનું કામ કરતા પરંતુ મોટી જમીનમાં પોતે ખેતી કરતા હોઇ તેમને ગોળ બનાવવાનું બંધ કર્યું હતું. આત્મા સાથે જોડાયા બાદ તેમના બંન્ને પુત્રોએ આ ખેત પધ્ધતિ અપનાવી પોતાના પાકનું મૂલ્યવર્ધન કરવા શેરડીમાંથી ગોળ તેમજ મગફળી માંથી સિંગ તેલ બનાવવાનું શરૂ કર્યું છે.
આનંદભાઇ જણાવે છે કે ખેતી તેમને વારસામાં મળેલ વ્યવસાય છે. તેથી તેઓ ૨૦૧૮ પહેલા રાસાયણીક ખેતી કરતા હતા. જેમાં ઉત્પાદન મળતું પરંતુ તેની સામે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો તેમજ હાઈબ્રીડ બિયારણોનો ખર્ચો ખૂબ જ વધી જતો હતો. જેના કારણે નફો બિલકુલ ઓછો મળતો હતો. આત્મા સાથે જોડાયા બાદ પ્રાકૃતિક ખેતીના અભિગમ અને જરૂરીયાત અંગે સમજ મળી. રાસાયણિક ખેતીમાં બટાટા, ઘઉં, મરચા, મગફળી, કપાસ વગેરેની ખેતી કરતા હતા.
વધુમાં જણાવે છે કે, રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક કૃષિ અંગેની ઝુંબેશ અંગે જાણકારી મેળવીને પ્રાકૃતિક ખેતીમાં શેરડીની સાથે મગફળી, ઘંઉ, શાકભાજી,આંતર ખેડ કરી સૂર્યમૂખી, કપાસની ખેતી ૧૦૦% ડ્રિપથી કરી રહ્યા છે. જેથી પાણીની બચત થાય અને જમીનનો ઓર્ગેનિક કાર્બન ૨.૩૭ થયો છે.આણંદ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ આ ખેતી દ્રારા હાલના સમયમાં ગાય આધારિત દેશી પદ્ધતિથી ચાર વિધા દેશી શેરડીનુ ઉત્પાદન કરીને ઘરના પાછળના ભાગમાં ખેતરમાં જ ભઠ્ઠી બનાવીને દેશી ગોળ બનાવવાનુ શરૂ કર્યુ જેમાં કોઈપણ પ્રકારનુ કેમીકલ વાપરતા નથી, શેરડીનો રસ ચોખ્ખો કરવા માટે દેશી ભીંડીને ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ શેરડીનો રસ ઠરે ત્યારે ૧ કીલો, ૨ કીલો, ૫ કીલો અને ૧૦ કીલોના ફમાઁમાં ગોળ ઠારવામાં આવે છે.
ગયા વર્ષે ૨૦૨૧-૨૨માં તેમણે પ્રયોગ માટે ૨૫૦૦ કિલો ગોળ બનાવ્યો હતો જેનું ૬૦ રૂ. કિલોના ભાવે વેચાણ કર્યું હતું. આ સાથે તેમણે મગફળી તેલના ૫૦ ડબ્બાનું વેચાણ કર્યું હતું. આ વર્ષે તેમનો અંદાજ ૭૦૦૦ થી ૮૦૦૦ કિલો ગોળના ઉત્પાદનનો છે. આ વર્ષે તેમણે ગોળમાં નવી વેરાયટી ઉમેરી છે જેમાં ઇલાઇચી અને મસાલા ગોળ છે. આ ગોળ ૧૦૦રૂ. પ્રતિ કિલોએ વેચાણ થાય છે અને લોકો ખાવા માટે શોખથી આ ગોળ લઈ જાય છે.
વધુમાં આનંદભાઇ જણાવે છે તેઓ પોતે ગ્રેજ્યુએટ છે તેમના નાના ભાઇ નિધાનમ પટેલ બી.એસ.સી એગ્રી. અને એમ.બી.એ.નો અભ્યાસ કરી ખેતીમાં જોડાયા છે. શિક્ષિત લોકો ખેતીને નાનો વ્યવસાય માને છે પરંતુ ખેતી સ્વતંત્ર વ્યવસાય છે. તમે જેટલી મહેનત નોકરીમા કરો તેટલી અહિં કરો તો સફળ થશો અને મહેનત પ્રમાણે વળતર પણ મળશે.
આનંદભાઇએ ૩૦ વિધા જમીનમાં પ્લોટીંગના ઘંઉ વાવ્યા છે. જે સીધા કંમ્પનીમા કરાર કરી બજાર ભાવ કરતા ૧૦૦રૂ. વધુ ભાવ નક્કી કરી વાવે છે. જેનું ઉત્પાદન ૨૫૦૦થી૩૦૦૦ મણ થશે.