ડીસા તાલુકાના જુનાડીસા ગામે અઠવાડિયા અગાઉ થયેલી આધેડની હત્યાના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો છે. જેમાં બકરીનું દૂધ આપવા મામલે થયેલી બબાલમાં અજાણતા વૃદ્ધની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. ડીસા તાલુકા પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના જુનાડીસા ગામે રહેતા શામળભાઈ ઠાકોર અઠવાડિયા અગાઉ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પોતાના ઘરે પહોંચ્યા હતા. જેથી ઇજાગ્રસ્તને પરિવારજનોએ સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હાથે ફ્રેક્ચર હોવાથી સારવાર કરાવી હતી અને તેઓ ઘરે પરત ગયા હતા, પરંતુ બીજા દિવસે અચાનક તેમના માથાના ભાગે દુખાવો ઉપાડતા તેઓ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનોએ તેમને તાત્કાલિક ડીસાથી પાલનપુર ખસેડ્યા હતા. પરંતુ તેમની હાલત વધારે નાજુક હોવાથી તેઓને અમદાવાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

સારવાર દરમિયાન તેમનું મોત થતા, તેમના પરિવારજનોએ શામળભાઈની હત્યા થઈ હોવાની ફરિયાદ કરી હતી. જોકે શામળભાઈ ઇજાગ્રસ્ત થયાના અઠવાડિયા સુધી પોલીસ મથકે આ અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી. અચાનક તેમની હત્યા થઈ હોવાનું જાણવા મળતા જ ડીસા તાલુકા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. આ મૃત્યુ પાછળ કોનો હાથ હતો તેના વિશે પરિવાર અજાણ હતુ. જેથી ડીસા તાલુકા પીઆઇ એસ.એમ. પટણીએ પોતાની સુજભુજથી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી. તે દરમિયાન મૃતક શામળભાઈને કોઈ બકરા વાળા જોડે બબાલ થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

પોલીસે જુનાડીસા ગામે બકરા વાળાઓની ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સહદેવ દેવીપૂજક નામના યુવક પર શંકા ગઈ અને પોલીસે તેની જીણવટભરી તપાસ કરતા આખરે આરોપી ઝડપાયો હતો. મૃતકે તેની પાસે બકરીનું દૂધ માગ્યું હતું, પરંતુ દૂધ ન હોવાના કારણે મૃતકે તેની સાથે બબાલ શરૂ કરી હતી અને ધક્કામુક્કીમાં શામળભાઈ પડી જતા તેમને માથાના અને હાથના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારપછી સહદેવ દેવીપૂજક ત્યાંથી ચાલ્યો ગયો હતો. આમ મૃતક ઝપાઝપીમાં પડી જતા અને માથાના ભાગે ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.