ડીસામાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે. ત્યારે ઉજવણી પૂર્વે ડીસા શહેરને રોશનીથી શણગારાયું છે અને શહેરના મુખ્ય માર્ગ પરના તમામ વીજ પોલને તિરંગાની રોશનીથી શણગારતા શહેરનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું છે.
ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસની સાથે સાથે શહેરને સુશોભન કરવાનું પણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં શહેરના મુખ્ય રસ્તાઓના ઈલેક્ટ્રીક પોલ તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા છે. ડીસા શહેરના મુખ્ય રોડ ગણાતા જલારામ મંદિરથી બગીચા રોડ, એરપોર્ટ ચાર રસ્તા થી બગીચા રોડ, રેલવે સ્ટેશનથી એસસીડબલ્યુ હાઇસ્કુલ થી બગીચા રોડ, બગીચા થી ફુવારા રોડ તેમજ ફુવારાથી ભગવતી ચોક સુધીના મુખ્ય રસ્તાઓ પર રસ્તા વચ્ચે ડિવાઇડરમાં આવેલા સ્ટ્રીટ લાઈટના પોલ કલાત્મક રોપ લાઈટથી શણગારવામાં આવ્યા છે.
આ રોપલાઇટ પર ત્રિરંગા ધ્વજની ડિઝાઇનની થીમ હોવાથી રાત્રે ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે અને નગરજનોમાં દેશભક્તિનો ભાવ ઉપસાવી રહ્યાં છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુ ઠક્કરના જણાવ્યાં મુજબ આ રોશની માત્ર પ્રજાસત્તાક દિનની ઉજવણી પૂરતી નહીં પરંતુ કાયમી ધોરણે રહેશે. જ્યારે શહેરમાં બ્યુટીફિકેશન માટે હજુ પણ વધુ આકર્ષણો ઉભા કરવામાં આવશે.