પાવીજેતપુર તાલુકાના સિહોદ પાસે બગડીને પડેલ ટ્રક સાથે બાઈકનો અકસ્માત થતાં બે યુવાનોના ઘટના સ્થળે કરુણ મોત 

     પાવીજેતપુર ના સિહોદ પાસે બગડી ને ઉભેલી એક ટ્રકમાં બાઈકનો અકસ્માત સર્જાતા બાઈક સવાર બંને આદિવાસી યુવાનોનાં ઘટના સ્થળ પર જ કમ કમાટી ભર્યા કરુણ મોત નીપજયા છે. 

         પ્રાપ્ત માહિતી મુજબ એક હાઇવા ટ્રકનું વ્હીલ નીકળી ગયું હોવાથી બ્રેક ડાઉન અવસ્થામાં સાંજથી રોડ પર ઊભેલી હતી.રાત્રે ૧૦:૩૦ ના અરસામાં મોટી રાસલી ગામના બે યુવાનો હિતેશભાઈ રૂપસિંહ રાઠવા અને કિરણભાઈ ભીમસિંહભાઈ રાઠવા તેમની બાઈક લઈને આ સ્થળ ઉપરથી પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.

             ૨૪ જાન્યુઆરી સાંજે લગભગ પાંચ વાગ્યાના અરસામાં રેતી ભરેલી એક હાઈવા ટ્રક નં. જીજે ૨૧ ડબલ્યુ ૦૯૨૮ પાવીજેતપુર અને સુસ્કાલની વચ્ચે શિહોદ ગામે કાઠિયાવાડી હોટેલની નજીક વળાંક આવેલ છે ત્યાંથી નીકળી રહી હતી ત્યારે તેનું આગળનું એક વ્હીલ આખું જ નીકળી ગયું હતું અને ટ્રક ને જેક પર ચઢાવી સ્થળ પર ઉભી કરી દેવાઇ હતી. રસ્તા પર કોઈ પણ પ્રકારની આડસ કે પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વિના આ ટ્રક ઉભી રખાઇ હોવાથી આવતા જતા વાહનો સ્વભાવિક રીતે અટવાઈ જતા હતા. રાત્રે લગભગ સાડા દસ વાગ્યાના અરસામાં પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી ગામના બે યુવાનો કિરણભાઈ રાઠવા, અને હિતેશભાઈ રૂપસિંહ રાઠવા પોતાની બાઈક નંબર જી.જે. ૩૪ એફ ૬૫૫૪ લઈને બોડેલી થી પાવીજેતપુરની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે આ ટ્રક ની સાઇડના ભાગે ધડાકાભેર અથડાઇને ટ્રક નીચે બાઈક સહિત બંને યુવાનો ઘૂસી ગયા હતા. બન્નેને માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થયેલી હતી.અકસ્માત ખૂબ જ ગંભીર હતો જેથી બંને યુવાનો કિરણભાઈ રાઠવા અને હિતેશભાઈનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું.

         પાવીજેતપુર પોલીસે અકસ્માતમાં ભોગ બનનાર યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાવીજેતપુર દવાખાને મોકલી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.